Isudan Gadhvi AAP: ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નવા કટારીયા ખાતે આવેલ રાજલ ધામ પાસે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ઝોન ઇન્ચાર્જ સંજયભાઈ બાપટ, લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો. કાયનાતબેન અંસારી આથા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી ડો. નેહલભાઈ વૈદ્ય, પૂર્વ કચ્છ કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ આહીર, પશ્ચિમ કચ્છ કિસાન સેલ પ્રમુખ ભરુભાઇ ગઢવીએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું.

કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કંસે કે રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચારો આ “મોદાણી”એ કર્યા છે અને આપણે એમની સામે પડવાનું છે. મને એ વાતનું દુઃખ છે કે આજે આખું કચ્છ અદાણીએ લઈ લીધું છે, કચ્છના દસ્તાવેજ કરી લીધા છે અને ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો કે મંત્રીઓમાં એટલી તાકાત નથી કે તેઓ અદાણીનો “અ” બોલી શકે. આ લોકો અમને જેલથી ડરાવે છે, હુમલાઓ કરાવે છે, ધારાસભ્યોને હેરાન કરાવે છે, સભાઓમાં ખલેલ પહોંચાડે છે, પરંતુ હું કહેવા માગું છું કે અમારા પર જેટલો પણ અત્યાચાર કર્યો છે એને વસૂલવામાં આવશે. હમણાં મને એક રબારી ભાઈએ ચિઠ્ઠી આપી એમાં લખેલું છે કે “35,000 એકર અભ્યારણમાં કબજો કરી લેવામાં આવ્યો છે અને એક લાખ એકર રણમાં ભાજપના મોટા નેતાઓએ મીઠાનો ધંધો ચાલુ કર્યો છે.” શું આ વાત સાચી છે? અને જો આ વાત સાચી હોય તો આ જમીન પાછી લેવી છે કે નથી લેવી? આજે ઘણા ખેડૂત મિત્રો મને મળવા આવ્યા હતા એમણે કહ્યું કે “ હવે જીવાતુ નથી, કારણ કે મારા ગામમાં બેફામપણે થાંભલાઓ નાખવામાં આવે છે.”

અંગ્રેજોની પણ તાકાત ન હતી કે તેઓ આપણા ખેતરોમાં આવું કામ કરી શકે, આ લોકો તો અંગ્રેજોના પણ બાપ નીકળ્યા. ખેતરના ઉભા પાકમાં જેસીબીઓ લઈને અને પોલીસકર્મીઓને લઈને તેઓ આવી જાય છે છતાં પણ ભાજપનો કોઈ નેતા એમ નથી કહેતો કે આ અત્યાચાર ન કરાય. આ ખેડૂતો માટે અમે 400 વકીલોની લીગલ ટીમ બનાવી છે અને મફતમાં તમામ ખેડૂતોના કેસ લડવામાં આવશે.