Mukesh Shah AAP: અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા બોપલ-ઘુમા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને દારૂનો ધંધો ચલાવનારાઓ સામે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડમાં આમ આદમી પાર્ટીના નેતા નિલ પટેલ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ, વિધાનસભાના સહપ્રભારી મુકેશ શાહ સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બાબતે વાત કરતા આમ આદમી પાર્ટી માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના વિસ્તારમાંથી દારૂની પોટલીઓ મળી રહી છે, જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને યુવાનો દારૂના રવાડે ચડી રહ્યા છે. આમ આદમી પાર્ટીની ટીમે જનહિતમાં આ રેડ પાડવાનો નિર્ણય લીધો હતો. ઘાટલોડિયાની બાજુમાં આવેલા વેજલપુર વિસ્તારમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. તેમણે પોલીસને સંબોધતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નજર રાખવા કરતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં ધ્યાન આપવું જોઈએ અને સામાન્ય જનતાના હિતમાં કામ કરવું જોઈએ. રાજ્યના ગૃહમંત્રીએ જનતાના હિત માટે નહીં પરંતુ વિપક્ષના નેતાઓ પર નજર રાખવા પોલીસ રાખી છે.

AAP નેતા કિરણ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં માતા-બહેનો સુરક્ષિત નથી, યુવાનો દારૂ વેચવા માટે મજબૂર બની રહ્યા છે અને એમ.ડી. જેવા નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. તેમણે ગૃહમંત્રી અને પોલીસ તંત્રને અપીલ કરી હતી કે પોલીસ જાતે ફરિયાદી બની આ મામલાની તપાસ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે. આ અંગે વિધાનસભાના સહપ્રભારી મુકેશ શાહે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અહીં રેડ પાડવામાં આવી હતી અને દેશી દારૂના ત્રણ બાચકા પકડી પાડવામાં આવ્યા છે. ડરના કારણે સ્થાનિક જનતાનો ખુલ્લો સહકાર મળ્યો નથી, પરંતુ કાર્યકર્તાઓની નૈતિક હિંમતથી આ કાર્યવાહી શક્ય બની છે. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લાંબા સમયથી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હતું અને રંગેહાથ પકડવા માટે આ રેડ પાડવામાં આવી હતી.