Praveen Ram News: AAP ફ્રંટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જેલમાં ગયા એ પહેલા ગુજરાતના ખેડૂતો તથા સમગ્ર ગુજરાતની જનતાને સંબોધીને એક વીડિયોના માધ્યમથી પોતાના મનની વાત જણાવી હતી. આ વિડીયો સંદેશમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ભાજપના તાનાશાહી શાસનમાં વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે. એક પણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી દરેક જગ્યાએ કટકી થઈ રહી છે, ખેડૂતોની આ પીડા વર્ષોથી ચાલી આવી રહી છે અને ખેડૂતો આ પીડાને મુંગા મોઢે સહન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ ખેડૂતોનો આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને એક નવી ક્રાંતિની શરૂઆત કરી. આ ક્રાંતિમાં મેં અને અમારા બીજા ઘણા સાથી મિત્રોએ સાથ આપ્યો કારણ કે આ ખેડૂતોની લડાઈ છે અને ખેડૂતોના અવાજને બુલંદ કરવાની લડાઈ છે. અમે કોઈપણ ગુનો કર્યો નથી તો પણ મારા અને રાજુભાઈ કરપડા સહિત 83 જેટલા અન્ય સાથીઓ પર ગંભીર કલમો લગાવી દેવામાં આવી છે. 307 જેવી ગંભીર કલમો નાખીને અમને જેલમાં પુરવાનો અને જેલમાં યાતના આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભાજપ સરકાર ગુંડાઓ પર, ભૂ માફિયાઓ અને બુટલેગરો પર કેસ નહીં કરે પરંતુ મારા અને રાજુભાઈ કરપડા જેવા લોકો પર કેસ કરવામાં આવે છે અને 307 જેવી કલમ લગાવવામાં આવે છે. પરંતુ ગુજરાતના લોકોએ અમારી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે અમે ભાજપને ખોટી ફરિયાદોથી ડરતા નથી, અમે પીછે હટ કરીશું નહીં અને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવતા રહીશું. સાથે સાથે હું ગુજરાતના લોકો પાસેથી આશા પણ રાખું છું કે ખેડૂતોની આ લડાઈ લડવા માટે દિલ્હીથી અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા છે તો હું એમનો આભાર માનું છું અને અમારા જેલવાસ દરમિયાન આદમી પાર્ટીના જે પણ નેતાઓ ખડે પગે ઊભા છે એ તમામનો પણ આભાર માનું છું.

હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરવા માગું છું કે બોટાદથી શરૂ થયેલી આ એક ક્રાંતિ છે અને આ ક્રાંતિને ગાંધીચિંધ્યા માર્ગે ચાલુ રાખવામાં આવે. ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે અને અન્યાય વિરુદ્ધ પોતાના આત્માને જગાવે. ક્યાં સુધી તમે આ રીતે અન્યાય સહન કરશો? આવનારી સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જડબાતોડ જવાબ આપવામાં આવે એવી આશા રાખીએ છીએ. જો તમે હાલ કંઈ પણ ન કરી શકો તો ફક્ત એક જ કામ કરજો, કે સોશિયલ મીડિયા પર આ મુદ્દાને જીવતો રાખજો. સમય કોઈની પાસે નથી હોતો, અમારી પાસે પણ ન હતો તેમ છતાં પણ અમે લડવા માટે નીકળી પડ્યા હતા અને આજે અમે જેલ ભોગવી રહ્યા છીએ.

ત્યારબાદ AAP નેતા પ્રવીણ રામે આંખમાં આંસુ સાથે પોતાના મનની વાત જણાવતા કહ્યું કે, મારા પણ ઘરે એક 11 મહિનાનું મારું બાળક છે અને જયવીર એનું નામ છે. આજે એ 11 મહિનાનું બાળક પણ રાહ જોઈને બેઠું હશે કે “મારા પપ્પા મને રમાડવા માટે આવશે”. 9 નવેમ્બરે મારા દીકરાનો પહેલો જન્મદિવસ છે અને મને રંજ છે કે હું મારા દીકરાના પહેલા જન્મદિવસ પર તેની સાથે નહીં હોવું. ભલે હું 9 તારીખે તેના પ્રથમ જન્મદિવસે તેની સાથે નહીં હોઉં પરંતુ ગુજરાતના તમામ ખેડૂતો અને લોકોને હું અપીલ કરીશ કે મારા દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવજો. અંતે હું એટલું જ કહીશ કે અમે બધું જ છોડીને ખેડૂતો માટે આ લડાઈ લડવા માટે નીકળ્યા છીએ તો તમે આ લડાઈને મજબૂત બનાવજો અને આ આંદોલનને વધુમાં વધુ સમર્થન આપજો.