ગાંધીનગર, શનિવાર ઐતિહાસિક વડનગરમાં ૧૦મી નવેમ્બરથી બે દિવસ માટે Tana-Riri મહોત્સવનો પ્રારંભ થવાનો છે, જેમાં સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો ગાયન-વાદન રજૂ કરશે. આ વર્ષે વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. પ્રદીપ્તા ગાંગુલીને તાના-રીરી એવોર્ડ એનાયત કરાશે .

આ વર્ષે વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. પ્રદીપ્તા ગાંગુલીને Tana-Riri એવોર્ડ એનાયત કરાશે

મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેનો ઇતિહાસ અને સમૃદ્ધ કલા વારસો છે. આ નગરી સંગીત, કળા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર- પ્રચાર માટે સુવિખ્યાત બની છે. વડનગરમાં ૫૫૦ વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે.

૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરથી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે.

આ વર્ષે આ મહોત્સવ ૧૦ અને ૧૧ નવેમ્બરે તાના-રીરી સમાધિ સ્થળ ખાતે યોજાવાનો છે જેમાં શ્રોતાઓ પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર તથા ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, શશાંક, સુબ્રમણ્યમ વગેરે કલાકારોનો સંગીત સમારોહ માણી શકશે.

કોણ હતી Tana-Riri બહેનો…

નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરી મલ્હાર રાગમાં પારંગત હતી. બંને નાગર બહેનોએ સંગીત સમ્રાટ તાનસેન દ્વારા ગાયેલા દીપક રાગથી તેમના શરીરમાં જે દાહ ઉત્પન્ન થઈ હતી, તેને શાંત કરી હતી. આ વાતની જાણ અકબરને થતાં દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ બંને બહેનોએ આ માંગણી સ્વીકારવાને બદલે આત્મબલિદાન આપ્યું હતું.