Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ઈસુદાનભાઈ ગઢવીએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે સૂચનાઓ આપી, ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટેનો આદેશ આપ્યો, તેનો એક ઓડિયો ભાજપ દ્વારા ખોટી રીતે ટીવી મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં સાડા પાંચ હજાર કરતાં પણ વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. આ સાડા પાંચ હજાર ઉમેદવારો કોણ છે? કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂતનો દિકરો છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ સીએ છે, કોઈ વકીલ છે, કોઈ સરકારી નોકરી છોડીને આવેલા વ્યક્તિઓ છે, કોઈ ફાર્માસિસ્ટ છે અને ભણેલા-ગણેલા સારા પરિવારમાંથી આવતા ઉત્સાહી યુવાનો છે. આટલા બધા સારા વ્યક્તિઓને ટિકિટ આપ્યા પછી ઈસુદાનભાઈ ગઢવીએ અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી કે હજુ વધુ લોકો ઉમેદવારી કરે, ગુજરાતના લોકો આ ચૂંટણીમાં જોડાય અને ભાજપ-કોંગ્રેસની ગુંડાગીરી સામે લડે, એ માટે આહ્વાન કર્યું. તેમાં શું ખોટું છે? હું પણ કહું છું કે જાઓ, ગુજરાતની જનતાના પગ પકડીને એમને વિનંતી કરો કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે. હું ફરી કહું છું કે જો આ વાતથી ભાજપને અશાંતિ થાય તો તે તેમનો પ્રશ્ન છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કેવી રીતે ઉમેદવારો ઊભા કરે છે? જે લોકો જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવે છે, ગામોમાં મતભેદ ઉભા કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, કાવા-દાવા અને કૂટનીતિઓથી લોકોને લૂંટે છે અને સરકારી કામોમાંથી પૈસા કમાય છે, એવા લોકોને જ તેઓ ટિકિટ આપે છે.
Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતુ કે ઈસુદાનભાઈ ગઢવીએ સજ્જન અને સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને રાજનીતિમાં લાવવા માટે પગ પકડીને વિનંતી કરવાની વાત કરી છે, કારણ કે જ્યાં સુધી સારા લોકો રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી રાજનીતિ નહીં બદલાય. સારા માણસના પગ પકડવામાં કંઈ ખોટું નથી. હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાના પગ પકડીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દરેક નાગરિક આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાય, કારણ કે જ્યાં સુધી દરેક વ્યક્તિ આગળ નહીં આવે અને ભાજપ-કોંગ્રેસની રાજનીતિ સામે ઊભો નહીં રહે, ત્યાં સુધી ગુજરાતની વ્યવસ્થા નહીં બદલાય. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીનો વિચાર એ જ છે કે ભણેલા-ગણેલા, સજ્જન, ઈજ્જતદાર અને સમાજ માટે કામ કરવાની ભાવના ધરાવતા લોકો રાજનીતિમાં આવે, ખોટી પ્રણાલીઓ સામે લડે અને બદલાવની લડાઈમાં જોડાય. વડીલો અને જનતાના પગ પકડવામાં કંઈ ખોટું નથી; ભાજપ જનતાનું ગળું પકડે છે જ્યારે આમ આદમી પાર્ટી જનતાના પગ પકડે છે. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ નક્કી કરે કે તેમને ગળું પકડનારી રાજનીતિ જોઈએ છે કે પગ પકડનારી. ઈસુદાનભાઈ ગઢવીનો સંદેશ સમજીને સજ્જન સમાજ અને ભણેલા વર્ગના લોકો આગળ આવે અને બદલાવની આ લડાઈમાં જોડાય.





