AAP Leader Pravin Ram News: આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ Pravin Ram એ એક વીડિયોના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કોંગ્રેસના નેતાઓ વિપક્ષમાં રહીને ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિરોધ કરીને પોતાની જવાબદારીઓ અને પોતાનો ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ તાજેતરમાં બયાન આપ્યું કે “આમ આદમી પાર્ટી તો એક તણખલું છે.” પરંતુ હું એમને કહેવા માંગીશ કે તમને ખ્યાલ નહીં હોય કે આ તણખલું આવનારા દિવસોમાં તમારી કોંગ્રેસ પાર્ટીને ભસ્મીભૂત કરી નાખશે. સાથે સાથે લાલજીભાઈ દેસાઈએ એવું નિવેદન આપ્યું કે “આ તો બે ટકાવારી પાર્ટી છે અને સાવણાના એક એક સળિયા વીખરાઈ ગયા છે.” હું લાલજીભાઈ દેસાઈને યાદ કરાવવા માંગુ છું કે તમારા કોંગ્રેસ પાર્ટીના નેતા પરેશભાઈ ધાનાણીએ એકવાર જાહેરમાં બયાન આપ્યું હતું કે આ સાવરણો અમને એટલો વાગ્યો કે અમારા વાહા સૂજી ગયા છે તો એ બયાન પણ લાલજીભાઈએ યાદ કરવું જોઈએ.

આ સિવાય પરેશભાઈ ધાનાણીએ એવું કહ્યું કે “આમ આદમી પાર્ટી(AAP) એ ભાજપનું બગલ બચ્ચું છે.” તો હું કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીને પણ કહેવા માંગીશ કે વિસાવદરની ચૂંટણીમાં શાયોના હોટલમાં કોણ કોનું બગલ બચ્ચું હતું એ આખી ગુજરાતની જનતાએ જોયું છે. માટે કોંગ્રેસના નેતાઓને મારી સલાહ છે કે તમે વિપક્ષની ભૂમિકામાં છો, તો વિપક્ષની ભૂમિકામાં રહીને સત્તા પક્ષ એટલે કે બીજેપીનો વિરોધ કરો અને બીજેપીને સવાલ પૂછો. તમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ એવું સાબિત કરી રહ્યા છો કે તમે એટલે કે કોંગ્રેસ બીજેપી સાથે ભળેલા છો અને કોંગ્રેસ આજે બીજેપીને મજબૂત કરવામાં કામે લાગેલી છે.