Arvind kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તથા અન્ય નેતાઓ અને કાર્યકરો વડોદરા બૂથ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે દેશ માને છે કે ગુજરાતના લોકો ખુશહાલ છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ બધું જ લૂંટી લીધું છે. બધું ખાઈ ગયા છે. આજે ખેડૂતોને ખાતર મળતું નથી, બિયારણ મળતું નથી, સિંચાઈનું પાણી પી ગયા, પાકના પૂરાં ભાવ મળતા નથી, ભાજપના નેતાઓ ખેડૂતોના પૈસા ખાઈ ગયા. ભાજપના લોકોએ સરકારી સ્કૂલોની હાલત ખરાબ કરી નાખી છે, જેથી સામાન્ય માણસ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવી ન શકે અને તેને પ્રાઈવેટ સ્કૂલમાં મોકલવા મજબૂર થવું પડે. પ્રાઈવેટ સ્કૂલો ગુંડાગીરી કરી રહી છે, લૂંટ ચલાવી રહી છે. ગરીબ લોકોને કેમ લૂંટે છે? તમારા પરિવારની સરકારી હોસ્પિટલો ખાઈ ગયા. સરકારી હોસ્પિટલમાં જાઓ તો દવાઓ નથી, ટેસ્ટ થતા નથી, ડૉક્ટર નથી. જાણી જોઇને સરકારી હોસ્પિટલો તોડી નાખવામાં આવી છે જેથી તમે બીમાર પડો તો તમને પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું પડે. અને આ પ્રાઈવેટ હોસ્પિટલ કોની છે? ભાજપના નેતાઓની. પ્રાઈવેટ સ્કૂલ પણ તેમની, હોસ્પિટલ પણ તેમની. આજે બાળકો ભણી-ગણીને ઘરે બેરોજગાર બેઠા છે. યુવાનો જ્યારે નોકરી માંગવા જાય છે ત્યારે તેમના હાથમાં નકલી દારૂની બોટલ પકડાવી દે છે, ડ્રગ્સ અને હેરોઈનની કોથળીઓ પકડાવી દે છે. યુવાનોને નશામાં ડૂબાવી દીધા છે, તમારા યુવાનો અને તેમનું ભવિષ્ય ખાઈ ગયા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે છેલ્લા 30 વર્ષોમાં દરેક ગુજરાતીને અપમાનીત કર્યા છે. ખેડૂતોનું અપમાન કર્યું છે. ખેડૂતોને ઘરમાં ઘૂસી ઘૂસી લાકડીઓ વડે મારવામાં આવ્યા હતા. આ લડાઈ સત્તાની નથી, આ ગુજરાતના સન્માનની લડાઈ છે. ગુજરાતીઓના સન્માનની લડાઈ છે, તમારા સન્માનની લડાઈ છે. આ કોઈ એક પાર્ટીને હટાવી બીજી લાવવાની લડાઈ નથી, આ સન્માન અને ન્યાયની લડાઈ છે. થોડા સમય પહેલા હરણી તળાવમાં દુર્ઘટના થઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો ડૂબી ગયા કારણ કે ત્યાં કોઈ સેફ્ટી નહોતી. જે કોન્ટ્રાક્ટરને કામ અપાયું હતું તે ભાજપનો હતો. બે વર્ષ થઈ ગયા, પણ એકેયને સજા નથી મળી. આ પરિવારોની મહિલાઓ ન્યાય માંગવા મુખ્યમંત્રીને મળવા ગઈ, પરંતુ પોલીસે તેમને બહાર કાઢી, અપમાન કર્યું અને પછી બે દિવસમાં તેમનું ઘર તોડવા પોલીસ મોકલી. આ કયું ગુજરાત બનાવી રહ્યા છે? શું આવું ગુજરાત જોઈએ છે?
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં દર વર્ષે અબજો-ખરબો રૂપિયા આવે છે, પરંતુ એ પૈસા તમારા સુધી પહોંચતા નથી. જો ઈમાનદારીથી ખર્ચ થાય તો શાનદાર સ્કૂલો, હોસ્પિટલો, રસ્તાઓ, સિંચાઈ અને મફત વીજળી મળી શકે. આદિવાસી કલ્યાણ ફંડમાંથી પ્રધાનમંત્રીની સભા માટે 50 કરોડ રૂપિયા ખર્ચાયા. 2 કરોડના સમોસા, 5 કરોડના ટેન્ટ, 7 કરોડની બસો બધું આદિવાસીઓના પૈસામાંથી. 50 કરોડમાં કેટલાય સ્કૂલ અને હોસ્પિટલ બની શક્યા હોત. આ રીતે તમારા પૈસા બરબાદ કર્યા છે, એટલે આદિવાસી સમાજ પાછળ રહ્યો છે. 30 વર્ષથી લોકોને ડરાવી, અત્યાચાર કરીને, અપમાન કરીને દબાવી રાખ્યા છે. પરંતુ એક દિવસ આવે છે જ્યારે ડરેલો માણસ ઉભો થાય છે. આજે આખું ગુજરાત ઊભું થઈ રહ્યું છે. જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સભાઓ થાય છે ત્યાં જનતા ઉમટી પડે છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે, “આ વખતે બદલાવ આવશે.” અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 2027ની ચૂંટણીમાં ભાજપ જશે અને ગુજરાતના લોકોની સત્તા આવશે. ખુદ કોંગ્રેસના નેતાઓ કહે છે કે હવે તેમની પાસે તાકાત નથી, કારણ કે તેમના ધંધા ભાજપ સાથે જોડાયેલા છે. માત્ર આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકે છે, કારણ કે અમને સરકારી કોન્ટ્રાક્ટ નથી જોઈતા. અમને માત્ર જનતાની સેવા કરવી છે. અમે એવી સરકાર બનાવીશું જ્યાં ખેડૂત ખુશહાલ હશે, વેપારી ખુશહાલ હશે અને યુવાનોને રોજગાર મળશે. જ્યાં ખેડૂતોને સમયસર ખાતર મળશે, સમયસર બીયારણ મળશે, સિંચાઈનું પાણી મળશે અને પાકના પૂરાં ભાવ મળશે. એવું ગુજરાત બનાવશું જ્યાં રસ્તાઓ સારા હશે, ઉત્તમ સરકારી સ્કૂલો અને સારી હોસ્પિટલો બનાવવામાં આવશે. એવું ગુજરાત બનાવશું જ્યાં નકલી દારૂ નહીં હોય અને કોઈ નશો નહીં હોય.





