Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi અને દક્ષિણ ઝોન પ્રમુખ રામ ધડુકની આગેવાનીમાં આજે વાપી ખાતે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વાપીને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે આજે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને અમે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે વાપીમાં સમીક્ષા બેઠક યોજી હતી. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કઈ રીતે ઉતરવું અને કઈ રણનીતિ અપનાવવી, એ મુદા પર આજે અમે ચર્ચા કરી. આગામી ૧૫ દિવસ બાદ અમારી “ઉમેદવાર સિલેક્શન કમિટી” જાહેર કરવામાં આવશે. જો વાપીની વાત કરીએ તો, અગાઉ વાપીમાં નગરપાલિકા કહો કે, રાજ્યમાં કહો અને કેન્દ્રમાં પણ કહો આ રીતે ત્રીપલ એન્જિન વાપીમાં ચાલી રહ્યું હતું પરંતુ આ તમામ એન્જિન સંપૂર્ણપણે ખાડે ગયા છે. વાપીમાં ટેન્કર માફિયાના કારણે પાણીની સમસ્યા ખૂબ જ છે. 30 વર્ષના શાસન બાદ પણ વાપીના લોકોને શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું, તો શું હેરાન થવા માટે ભાજપને મત આપે? પ્રદૂષણનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, રોડ રસ્તા અને ડ્રેનેજનો પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે. બ્રિજ બનતા રહે છે અને બ્રિજના કામ પુરા જ નથી થતા જેના કારણે સમગ્ર વાપીમાં લોકો રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ચારે બાજુ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. તો આ તમામ સમસ્યાઓના કારણે દિવસને દિવસે વાપીની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. હું, વાપીના ભાજપના કાર્યકર્તાઓને પણ અપીલ કરીશ કે જો ભાજપ 700 કરોડના બજેટને પણ પોતાના ઘર ભેગું કરે છે અને જનતાને મરવા માટે છોડી દે છે અને જનતાને સારુ પાણી કે શુદ્ધ હવા પણ ન આપી શક તો હવે આવા ભાજપને મત આપીને આપણા બાળકોનો ભવિષ્યને આપણે વધુ ખતરામાં ન મૂકવું જોઈએ. ભાજપને ડર લાગવો જોઈએ કે જો કામ નહીં કરીએ તો પ્રજા મત નહીં આપે.
વધુમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વાપીની તમામ સીટો પર મહાનગરપાલિકાની ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી(AAP)ના કાર્યકર્તાઓ વાપીની એક એક સોસાયટી અને એક એક મહોલ્લામાં મીટીંગો કરશે અને ડોર 2 ડોર કેમ્પેઇન ચલાવશે અને પ્રજાના પ્રશ્નો સાંભળશે, હસ્તાક્ષર કેમ્પેઇન ચલાવશે. ફક્ત એક આમ આદમી પાર્ટી જ એવી પાર્ટી છે જે લોકોના ઘરે ઘરે જઈને સવાલ પૂછશે કે લોકોને કયા કયા મુદ્દા પર પ્રશ્નો છે અને અમે જનતાને પૂછીશું કે આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બન્યા બાદ તમે કયા પ્રકારની સેવાઓ ઇચ્છો છો. લોકોએ જણાવેલા મુદ્દા અને તેમની સુવિધાઓના આધારે આમ આદમી પાર્ટી પોતાનું સંકલ્પ પત્ર બનાવશે. રાત્રે 12 વાગ્યા પછી વાપીમાં કંપનીઓ બેફામપણે પ્રદુષણ ફેલાવે છે. કંપનીઓ પોતાનામાં બોર બનાવીને એમનું પાણી દમણ ગંગામાં નાખી દે છે અને આ વર્ષોની સમસ્યાઓ છે. મેં સાંભળ્યું છે કે ભાજપના નેતાઓ હપ્તા ખાય છે જેના કારણે હવે સમગ્ર વાપીની જનતા પીડાઈ રહી છે. આશા રાખીએ છીએ કે બે વર્ષમાં ભાજપ વિદાય લે અને ગુજરાતને નશાના માફિયાથી અને પ્રદૂષણના માફિયાથી મુક્ત કરાવીએ.
ત્યારબાદ પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi દારૂબંધી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી જરા પણ નથી અને ભાજપના નેતાઓ અને કેટલાક અધિકારીઓ માલામાલ થાય એ માટેની દારૂબંધી ચાલી રહી છે. આજે લોકોએ દૂધ લેવા જવું પડે છે પરંતુ દારૂની હોમ ડિલિવરી થાય છે. પરંતુ દારૂ કરતા પણ વધારે ખતરનાક ષડયંત્ર ભાજપે રચ્યું છે. આજે ભાજપના લોકો મધ્યમ વર્ગને ડ્રગ્સના રવાડે ચડાવી રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે. ભાજપનું ષડયંત્ર છે કે જો યુવાનો નશો કરતા રહેશે તો નોકરી નહીં માંગે. ભાજપના નેતાઓને વિનંતી છે કે જો તમારી સંપત્તિ જ બનાવી હોય તો બ્રિજ બનાવીને સંપત્તિ બનાવો પરંતુ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવીને પોતાની સંપત્તિ ન બનાવો.





