Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી(AAP) અને તેના નેતાઓની વધતી લોકપ્રિયતાથી ભાજપ એટલું ગભરાઈ ગયું છે કે નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધી જે રીતે ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી હદે વધી છે કે એક બાજુ નરેન્દ્ર મોદીની સભા હોય છે અને બીજી બાજુ એ જ દિવસે ચૈતર વસાવાની સભા હોય છે, ત્યારે ચૈતર વસાવાની સભામાં નાગરિકો સ્વયં આવે છે, જ્યારે નરેન્દ્ર મોદીની સભામાં બસો મૂકવા છતાં પણ નાગરિકો આવતા નથી. ચૈતર વસાવાને આદિવાસી સમાજનો અવાજ માનવામાં આવે છે, ત્યારે હવે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. ચૈતર વસાવા પર 75 લાખનો તોડ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ચૈતર વસાવા કલેકટર પાસે જાય છે ત્યારે કલેકટરનું કહેવું છે કે “આ આક્ષેપો ખોટા છે.” ભાજપના સાંસદ કરવા શું માંગી રહ્યા છે? આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને કોઈને કોઈ રીતે લોકોમાં બદનામ કરવાનું ભાજપ આ પહેલા પણ કરતું આવ્યું છે. પહેલા આ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાય તેવો પ્રયાસ કરે છે. આમાં જો સફળ ન જાય તો બીજી ઓફરો આપે છે. જેલમાં મોકલે છે, જેલથી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ન ડરે ત્યારે તેને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપ કરતું આવ્યું છે. હવે આ બધું ગુજરાતની જનતા જાણી ગઈ છે, અગાઉ પણ મારી પર “ભાજપે દારૂ પીધો છે અને છેડતી કરી છે” આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આરોપ મૂક્યા હતા. મેં ક્યારેય જિંદગીમાં દારૂ પીધો નથી. હું દારૂને અડવાનો પણ નથી. હું વ્યસનમુક્તિ અભિયાન ચલાવું છું. કમલમમાં અમે 96 જેટલા ભાઈઓ બહેનો સાથે હતા ત્યારે મેં દારૂ પીને છેડતી કરી તેવી ફરિયાદ કરવામાં આવી હતી. આ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ છે. હમણાં ગોપાલ ઇટાલીયા પર વાયા કોંગ્રેસ દ્વારા જૂતુ ફેંકાવવામાં આવ્યું. અમે ગુજરાતની જનતાના દિલમાં છીએ. તમે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છો, તેથી ભાજપના કાર્યકર્તાઓ જ હવે છોડી રહ્યા છે. તમે એક આરોપ મૂકો છો અને જે ભાજપના સાચા કાર્યકર્તાઓ છે, અટલ બિહારી વાજપાઈના કાર્યકર્તાઓ છે તે ભાજપ છોડી રહ્યા છે. શા માટે? કારણ કે તમને તમારા પાર્ટીવાળા સ્વીકારતા નથી.

વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપે ચારે બાજુ મોંઘવારી, દારૂ, હત્યાચાર, લૂંટ, બળાત્કાર બધું ચરમસીમાએ પહોંચાડી દીધું છે. કોઈને ન્યાય તો મળતો જ નથી. ભાજપના જ કાર્યકર્તાઓની દીકરીઓના પણ તમે સરઘસ કાઢો છો. પ્રજા તો થાકી જ ગઈ છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પણ થાકી ગયા છે. ત્યારે અમારા નેતાઓને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે. ચૈતરભાઈ ખેડૂતોનો અવાજ બન્યા છે, લોકપ્રિયતા વધે છે એટલે હવે તેમના પર તોડનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પણ બીજા કયા કયા આરોપો મુકાશે તેની ખબર નથી. ભાજપનાં સાંસદને મારે કહેવું છે કે તમે રાજીનામાની ધમકી આપો છો, ભાજપ અને તમે અંદરો અંદર નાટક રમી રહ્યા છો, તે પ્રજા જાણે છે. સાચો આદિવાસી બોલ્યો ફરતો નથી. ધમકી આપવાની ન હોય રાજીનામું આપી છોડી દેવાનું હોય. પરંતુ નહીં, આ ભાજપના ઈશારે આખો ખેલ ચાલી રહ્યો છે. ખેડૂતોનો અવાજ બનેલા રાજુ કરપડા અને પ્રવીણ રામને પણ જેલમાં નખાવામાં આવ્યા છે. શા માટે? કારણ કે અમે ખેડૂતોનો અવાજ બન્યા છીએ.અમે લોકો માટે અવાજ ઉઠાવીએ છીએ. અમારે જો તોડ જ કરવા હોય તો પહેલા અમારી પાસે હજારો તક હતી. પરંતુ અમે કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ. અમે પ્રજાને લૂંટવા માંગતા નથી, પ્રજાને તમારી લૂંટમાંથી બચાવવા માંગીએ છીએ. તમારે જેટલા આરોપો મૂકવા હોય તેટલા મૂકો, જેટલો અત્યાચાર કરવો હોય એટલો કરો, તાકાત હોય એટલા દિવસ જેલમાં મોકલી દેજો, પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે લડવા નીકળી છે એટલે અમે લડીને રહેશું. તમારા અજગર જેવા ભાજપના ભરડામાંથી ગુજરાતની જનતાને છોડાવીને રહીશું. હું ગુજરાતની જનતાને કહેવા માગું છું કે તમે લોકો બહાર આવો, અમે થાકી ગયા છીએ પરંતુ હિંમત હાર્યા નથી. અમારા પર જાત જાતના આરોપ મૂકવામાં આવે છે. જનતાને કહેવા માગું છું કે ભાજપના લોકોને કોમેન્ટથી જવાબ આપો. ભાજપના લોકોને વિડીયોના માધ્યમથી જવાબ આપો. આ લોકો તો અન્ય લોકોને પાંચ-પચીસ રૂપિયા આપીને પણ વિડીયો બનાવડાવે છે. આ કદાચ મીડિયા પણ ભાજપના પ્રેશરમાં આવીને નહીં બતાવે. તો ગુજરાતનાં લાખો યુવાનોને વિનંતી છે કે તમે સોશિયલ મીડિયા દ્વારા ભાજપનો અસલી ચહેરો બતાવો. હવે આપણે સૌ આમ આદમીએ જાગવાનું છે અને ભાજપને ભગાડવાની છે.