Manoj Sorathiya: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સાથે ત્રિદિવસીય “ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર”ની શરૂઆત થઈ. શિબિરના પહેલા દિવસે પાર્ટીના તમામ ઝોન પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને લોકસભા ઇન્ચાર્જ ઇન્ચાર્જો અને પ્રદેશની ટીમ સાથે સંગઠન બાબતની સમીક્ષાની ચર્ચા થઈ. આગામી દિવસોમાં SIR લઈને આમ આદમી પાર્ટી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે, એ બાબતની ચર્ચા થઈ. સુદામડા ગામ ખાતે જે કિસાન મહાપંચાયત યોજાઈ ત્યારબાદ હવે કિસાન આંદોલનને કઈ રીતે આગળ લઈ જવું તે બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને ચર્ચા કરવામાં આવી. આની સાથે સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચાઓ આજે શિબિરના પહેલા દિવસે કરવામાં આવી છે.
આ શિબિરમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સહિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા સહિત પ્રદેશના તમામ જવાબદારી નિભાવનાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે પણ બીજા જવાબદાર હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે અને ત્રીજા તથા શિબિરના અંતિમ દિવસે મહત્વની જવાબદારી નિભાવનાર તમામ લોકો સાથે ચર્ચાઓ કરવામાં આવશે અને રણનીતિ સાથે આમ આદમી પાર્ટી આગળ વધશે.





