આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ એક વિડીયો દ્વારા ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી તેમણે ખેડૂતોના સિંચાઈના પાણીને લૂંટવાનું કામ કર્યું છે. તેનો તાજો દાખલો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની દાતરવાળી સિંચાઈ યોજના. 1974 માં દાતરવાળી સિંચાઈ યોજના બની અને પૂરી થઈ હતી. તેમાંથી તેર ગામોને સિંચાઈનું પાણી મળતું હતું. એ ઉપરાંત રાજુલા શહેરને પીવાનું પાણી પહોંચાડતી એક લાઇન હતી. ભાજપની સરકાર ક્યારેય પણ કોઈ ડેમો સાચવતી નથી. જો કોઈ ડેમ તૂટી જાય તો તેનું રીપેરિંગ કામ પણ કરવામાં આવતું નથી. જેના કારણે આજે ગુજરાતમાં હજારો ચેક ડેમો તૂટી ગયેલી અવસ્થામાં છે. પરંતુ સરકાર તેની તરફ ક્યારેય ધ્યાન આપતી નથી. દાતરવાળી ડેમના પણ દરવાજા તૂટી ગયા છે અને તેની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે.

હવે સરકારે રાજુલા શહેર ખાતે લઈ જતી લાઇનને નવી નાખી રહી છે એમ કહીને મોટી લાઇન નાખવાનું શરૂ કર્યું છે. મોટી લાઇન જોઈને ખેડૂતો સાવચેત થઈ ગયા અને તેમણે વિરોધ કર્યો. ખેડૂતોએ કહ્યું કે “પાણીની લાઇન પહેલા જેટલી હતી એટલી જ નાખો, અથવા તો મોટી લાઇન નાખવી છે તો જે વધારાનું પાણી આ લાઇનમાં જશે, તેની ગણતરી માટે મીટર મૂકો અને જેટલું વધારે પાણી રાજુલા શહેરમાં જઈ રહ્યું છે, એટલું પાણી વધારે ડેમમાં સંગ્રહ કરવાનું શરૂ કરો. જો જરૂર પડે તો નર્મદા કે બીજી કોઈ પાણી યોજના દ્વારા આ ડેમમાં પાણી લાવો અને અમારી જે સિંચાઈ ક્ષમતા છે, તેને યથાવત રાખો.” 3925 હેક્ટરના કમાન્ડ વિસ્તાર ધરાવતો આ ડેમ 2004-05માં વધુમાં વધુ 2500 હેક્ટરને જ સિંચાઈ આપી શક્યો હતો. એનો અર્થ સ્પષ્ટ છે કે આ ડેમ ક્યારેય પણ તેની પૂરી ક્ષમતા અનુસાર કાર્યરત રહ્યો નથી અને સરકારે પણ આ મુદ્દે ક્યારેય ધ્યાન આપ્યું નથી.

આ સ્થિતિમાં હવે જે પાણી આપવામાં આવી રહ્યું છે તે પીવાનું પાણી કહીને હકીકતમાં GIDCને આપવામાં આવશે. સરકાર GIDCને પાણી આપે એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ ખેડૂતોના સિંચાઈના પાણીના ભોગે આ પાણી ન આપવામાં આવે તેવી અમારી માંગ છે. આ મુદ્દે થયેલા વિરોધ બાદ સરકાર મોટી નવી લાઇન નાખવાનું અટકાવી ચૂકી છે, પરંતુ ભાજપના એક મોટાગજાના નેતા પાસે આ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ છે અને તે પોતાનું બિલ ઝડપથી પાસ કરાવવા માંગે છે. એટલા માટે તેઓ સ્થાનિક પોલીસનો દુરુપયોગ કરીને સરકાર અને જીઆઇડીસીના હિતમાં કામ કરાવી રહ્યા છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વધારાનું જેટલું પાણી લઈ જાવ છો, એટલું પાણી અમને ક્યાંકથી લાવીને પૂરું પાડી આપો. ડેમના દરવાજા રીપેર કરો — અમારી બીજી કોઈ મોટી માંગ નથી. પરંતુ સત્તાના મદમાં અંધ બનેલી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી અને તે શક્ય હોય તેટલું વધુ પાણી GIDC અને ઉદ્યોગો તરફ વાળી રહી છે. અગાઉ પણ આ મુદ્દે 15 જેટલા ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને આજે 13 ગામના ખેડૂતો દ્વારા બનાવેલી સમિતિના 200 જેટલા ખેડૂતોને પણ પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કર્યા છે. હવે ખેડૂતો અન્નજળ ત્યાગ કરીને બેસી ગયા છે.

જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયા એક સંવેદનશીલ વ્યક્તિ હોવાની મારા મનમાં છાપ છે. મારી તેમની પાસે અપીલ છે કે દાતરવાળી સિંચાઈ યોજનાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમનું પાણી ચોરી જઈ રહ્યું છે એ વાત તરફ થોડી નજર કરો. આ ખેડૂતો પર કોઈ પણ પ્રકારનું દમન ન કરવામાં આવે અને તંત્ર તરફથી તેમને પાણીની ખોટની પૂર્તિ કરવાની ખાતરી આપવામાં આવે તો આ સંઘર્ષ ટાળી શકાય છે. જો સરકાર તરફથી આવી કોઈ ખાતરી ન મળે અને દમનના માર્ગે જ આગળ વધવાનું હોય તો ગુજરાતના રાજકીય અને બિનરાજકીય તમામ ખેડૂત નેતાઓ અને આગેવાનો આ ખેડૂતોના સમર્થનમાં ઊભા રહેશે. સરકાર અને સ્થાનિક તંત્રે આ મુદ્દે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને ખેડૂતો સાથે ન્યાય કરવો જોઈએ.