Gopal Italia AAP News: આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સુરતના કઠોદરામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દક્ષિણ ગુજરાત પ્રભારી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, કોર્પોરેટરો મહેશ અણઘણ, રચના હીરપરા, જિતેન્દ્ર કાછડીયા, ડૉ. કિશોર રૂપારેલિયા, શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથિરીયા, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, ઘનશ્યામ વાઘાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સામાજિક અગ્રણી રિંકલ પોશિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાર્ટીમાં તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
જનસભાને સંબોધન કરતા AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે લોકો એમ માનતા કે તમારું કંઈ નહીં આવે, તમે ખોટા છો, તમને મત નહીં મળે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. તમારી તો કોઈ પત્રિકા પકડવા તૈયાર નથી, એવા સમયે સંઘર્ષ કરીને રાકેશ હીરપરા, મનોજભાઇ સોરઠીયા, ધર્મેશ ભંડેરી સહિત અન્ય લોકોએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે અને આ સપનું સાકાર કરવાની દિશામાં કામ કર્યું. આજે સપનું સાચું સાબિત થયું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ થાય છે. આમ આદમી પાર્ટી એક પછી એક પગથીયા ચઢીને મોટી થતી જાય છે. સામાજિક અગ્રણી રિંકલ પોશિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને પાર્ટીમાં આવકારુ છુ. એક સૈનિક સાથે અન્ય સૈનિક જોડાય તો પાર્ટી વધુ મજબૂત બને તેમ રિંકલબેન શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ હોવાથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે તેનો મને ખૂબ આનંદ છે. આપણે એક વાત વિચારવી પડશે 30 વર્ષથી ગુજરાતમાં આપણે બધાએ મત આપીને ભાજપની સરકાર બનાવી. 30 વર્ષનો હિસાબ કરી વિચાર કરીએ કે આ 30 વર્ષમાં આપણા જીવનમાં શું બદલાવ આવ્યો ? એવો કયો ફાયદો સરકાર તરફથી આપણને મળ્યો ? આજે તમે ફ્લેટમાં રહેતા હશો તો, ધંધા માટે, કે પછી ગાડી માટે પણ લોન ચાલતી હશે. આ કઠોદરા ગામ વિસ્તાર નવો નવો કોર્પોરેશનમાં આવ્યો ત્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે અહીં અમેરિકા જેવો માહોલ થઇ જશે. સરકારમાંથી સીધો ફાયદો થયો હોય અને આપણે ખુશ થયા હોય તેવા 10 મુદ્દાઓ 30 વર્ષ પછી પણ આપણને પ્રાપ્ત થયા નથી. 30 વર્ષ સુધી એક જ પાર્ટીને મત આપ્યા પછી આપણી પાસે શું છે ? કઠોદરાને કોર્પોરેશનમાં નાંખ્યા પછી વેરો વધ્યો, તેના સિવાય શું વધ્યું? તમને એમ લાગતું હોય કે હવે વિકલ્પ છે તો આ વખતે ચૂંટણીમાં ચૂકતા નહીં, જેટલો ફાવે તેટલો સજડબમ હાવેણો ફેરવી દેજો. હું કતારગામથી ચૂંટણી હારી ગયો તેનું મને કોઈ નુકસાન ન થયું, પરંતુ તમે વિચાર કરો કે ભાજપની સરકાર જીતી ગઈ તેનો તમને શું ફાયદો થયો ? જનતાને તેનો કોઈ ફાયદો મળ્યો નથી.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણો આત્મા જગાડવો પડશે, આપણા મનને પૂછવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ. સરકારમાં મંત્રીઓ કઈ રીતે બની રહ્યા છે? આખા ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી જીતેલા નેતાઓની ગાંધીનગરમાં એક પટ્ટાવાળાથી વિશેષ વેલ્યુ થતી નથી, આ વાસ્તવિકતા છે. આ વાત અનેક વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું, કોઈ કેબિનેટ મંત્રીએ એવું નથી કીધું કે હું પટ્ટાવાળો નથી, કોઇ મંત્રી કે ધારાસભ્યનું સરકારમાં કંઈ ઉપજતું નથી. આ વાત એક લાખ ટકા સાચી છે. હું દસ વખત આ બોલ્યો છું પરંતુ કોઈએ મારી વાતનું ખંડન કર્યું નથી, હું ખોટો હોઉં તો દસ મંત્રી મારા વિરુદ્ધ મોરચો કાઢે ને ? આપણે ત્યાં ખટારાનો ડ્રાઇવર હોય તે હેલિકોપ્ટર ન ચલાવે અને હેલિકોપ્ટરનો ડ્રાઇવર ખટારો ન ચલાવે. પરંતુ ભાજપ સરકારમાં તો જે ગૃહ મંત્રી હતા તે દોઢ વર્ષ પછી આરોગ્ય મંત્રી થઈ જાય છે, પછી અન્ય મંત્રી બની જાય છએ. શું એક માણસમાં આટલી બધી ટેલેન્ટ છે ? દુનિયામાં જે વૈજ્ઞાનિકો થયા તેમણે એક વસ્તુની શોધ કરી ત્યાં જ જિંદગી પૂરી થઈ ગઈ, આ લોકો એટલા મોટા મહાપુરુષ છે કે તેને દોઢ વર્ષમાં બધું જ આવડવા માંડે છે? આ સરકાર છે કે સર્કસ ? તમે અમારી આમ આદમી પાર્ટી ની ચિંતા કરો કે ન કરો, ગોપાલભાઇ હારી જશે કે જીતી જશે તેની ચિંતા ન કરો, તમારા મતથી જે માણસો જીતે છે તે ત્યાં સંગીત ખુરશીની રમત રમે છે, તેના સર્કસમાંથી નવરા થાય તો તમારું કંઈક કલ્યાણ કરશે ને? એટલું તો વિચારો, સરકારને શિક્ષણ, આરોગ્ય, પાણી,વીજળી સહીત કંઇ જ ગંભીરતા નથી, ભાજપને એક જ વસ્તુની ગંભીરતા છે કે અમારી સામે ન પડે તેવાને મંત્રી બનાવી દો, કેપેબલ માણસને આગળ આવવા દેતા નથી. જનતાની સેવા કરવા માટે કોઈ મંત્રી બનાવતા નથી. અમારા ચૈતરભાઈ, પ્રવીણભાઈ, રજનીભાઈ અને મારા પર પણ ખોટો કેસ કરવામાં આવ્યો છે, આ નુકસાન અમારું નથી. અમરેલીમાં પાયલ ગોટી કેસમાં ખોટી એફઆઇઆર કરી સરઘસ કાઢવામાં આવ્યું, અન્ય ત્રણ લોકો વિરૂધ એફઆઇઆર થઈ, જેલમાં પૂરી હાઈ હોલ્ટેજ ડ્રામા કર્યા અને પછી અમરેલીના નાયબ પોલીસ અધિકારીની સહી સાથેનો એક કાગળ બહાર પાડ્યો અને કહ્યું કે ભુલથી નામ આવી ગયા હતા.તમે જ વિચાર કરો, તમારી દિકરી સાથે આવું થાય તો આ યોગ્ય છે ? પોલીસ સ્ટેશનની હાલત આ હદે ખરાબ છે. જે મારા કરતાં વધારે ડબલ ઉંમરનાં છે તેઓ યાદ કરે છેલ્લે ધારાસભ્યને ક્યારે જેલમાં પૂર્યા હતા ? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી બે વખત જેલમાં પૂરવામાં આવ્યા, એટલા માટે કે તેઓ લોકોનો અવાજ ઉઠાવે છે. અમારાથી કોઇ નાની મોટી ભુલ થઇ હોય તો અમને માફ કરીને એક વખત ભાજપને સાફ કરો તેવી મારી વિનંતી છે.





