Gujaratના ખેડા જિલ્લામાં નડિયાદ વી.કે.વી. રોડ પર આવેલા પેટ્રોલપંપના કર્મચારી પર યુવક અને તેના મિત્રોએ ઘર્ષણ કર્યુ હોય અને મુખ્ય આરોપીએ ચપ્પુ બતાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કર્મચારીએ 4 સામે ગુનો નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ Gujaratના નડિયાદમાં વી.કે.વી. રોડ પર આવેલા પેટ્રોલપંપ પર સંજયભાઈ દેસાઈભાઈ તળપદા નોકરી કરે છે. ગઈકાલે બપોરે તેઓ નોકરીના સ્થળ પર હાજર હતા, તે વખતે હર્ષ ઉર્ફે ગોપી તળપદા નામનો યુવક બોટલમાં પેટ્રોલ લેવા આવ્યો હતો, જેથી સંજયભાઈએ પેટ્રોલ ભરી આપી અને ફરીથી બોટલમાં પેટ્રોલ નહીં આપવાનું જણાવ્યુ હતુ.
તેની રીસ રાખી અને આ હર્ષ તળપદા રાતે પોતાના 3 મિત્રોને લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો, જ્યાં હાજર સંજયભાઈ અને જતીનભાઈ સાથે બોલાચાલી કરી ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી હતી અને હર્ષે આ વખતે ચપ્પુ બતાવ્યુ હતુ અને બાદમાં કમરના ભાગે સંતાડી દીધુ હતુ, જે મામલે હર્ષ અને તેના ત્રણ મિત્રો સામે ગુનો નોંધાયો છે.
ત્યારે હજુ Gujaratના અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી અને નડિયાદમાં મોડી રાતે 4 યુવકોએ પેટ્રોલપંપના કર્મચારીને બાનમાં લેવાનો પ્રયાસ કરવાની સાથે ચપ્પુ બતાવ્યાની ઘટના સામે આવી છે.