Gopal Italia News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ધારાસભ્ય ચૈતર વસાવા બજેટ સત્રમાં ભાગ લેવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મિડિયા સાથે વાત કરતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાના દબાણમાં આવી એકતરફી ટ્રેડ ડીલ કરી છે, જેનાથી અમેરિકાને ફાયદો થશે, જ્યારે ભારતના, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના-મધ્યમ વેપારીઓને નુકસાન થશે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં ભારતથી નિકાસ થતી કેટલીક વસ્તુઓ પર આશરે 18 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવે છે, જ્યારે તેના બદલામાં ભારત સરકારે અમેરિકાની ખેતીલક્ષી અને અન્ય પ્રોડક્ટ્સ પર શૂન્ય ટકા ટેક્સ રાખ્યો છે. અમેરિકાના ખેડૂતોને મોટી સબસિડી મળતી હોવાથી તેમની ખેતી મજબૂત અને સ્પર્ધાત્મક છે. તેમના જણાવ્યા મુજબ જો અમેરિકાથી દૂધ, તેલીબીયા, કપાસ, સોયાબીન સહિતની કૃષિ વસ્તુઓ ટેક્સ વિના ભારતમાં આયાત થશે, તો સ્થાનિક ખેડૂતો માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. હાલ ખેતી પોષણક્ષમ નથી, છતાં ખેડૂતો મજબૂરીવશ ખેતી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સસ્તી આયાતથી ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સ્થિતિ વધુ નબળી બનશે.

AAP ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ આ ટ્રેડ ડીલનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. પાર્ટીની માંગ છે કે ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના પશુપાલકો માટે , ગુજરાતના દુધ ઉત્પાદકો માટે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને તેમને યોગ્ય રક્ષણ આપવામાં આવે. દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલીને લોકભવન કરવામાં આવ્યું પરંતુ માનસિકતા બદલાઇ નથી. અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી ચાર વખત અલગ અલગ મુદ્દાઓને લઈને રાજ્યપાલને મળવાનો સમય માગ્યો પરંતુ ચારમાંથી એક પણ વખત રાજ્યપાલે અમને મળવાનો સમય આપ્યો નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે માંગ કરી છે કે ગુજરાત સરકાર વિધાનસભામાં પ્રસ્તાવ લાવી આ ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરે અને ખેડૂતો તથા પશુપાલકોના હિતોની રક્ષા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરે.