Dharmik Mathukiya ASAP: ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી ગુજરાત રાજ્યના ખેડૂતોને અત્યંત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂત પોતાની જીવનશૈલીમાં બાંધછોડ કરી શકશે પણ પોતાના દિકરા-દિકરીઓના શૈક્ષણિક ભવિષ્યમાં કોઇ બાંધછોડ કરતાં નથી હોતા. આ કપરા સમયમાં ખેડૂતને પોતાના દીકરા – દિકરીને ભણાવવા માટે શૈક્ષણિક ફી ભરવી ખુબ જ કઠિન છે, ત્યારે ગુજરાત સરકાર ખેડૂતો અને વિદ્યાર્થીઓની વહારે આવે એવી માગણી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી(AAP) વિધાર્થી પાંખ ASAP ના પ્રદેશ અધ્યક્ષ Dharmik Mathukiyaએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આ કમોસમી વરસાદના કારણે હાલમાં જ ગુજરાતના એક ખેડૂતનો આત્મહત્યા કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. આર્થિક પાયમાલીથી ત્રસ્ત અને આર્થિક ભીંસમાં ફસાયેલ ખેડૂતોને પોતાના દિકરા-દિકરી માટે ખૂબ મોટા પ્રમાણમાં શિક્ષણનો ખર્ચ હોય છે અને આ ખર્ચ એક ખેડૂત પોતાના ખેતરમાં પાક ઉપજાવી કાઢતો હોય છે પરંતુ હાલમાં કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જવાના કારણે આ ખર્ચને પહોંચી વળવા ખેડૂત સક્ષમ નથી, ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન ASAP દ્વારા માંગ કરવામાં આવી કે જે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે તેમના દિકરા-દિકરીઓની આ વર્ષની શૈક્ષણિક ફી સંપૂર્ણ માફ કરવામાં આવે. કારણકે પાક નિષ્ફળ જવાના કારણે અત્યારે ખેડૂત પાસે કોઇ પણ પ્રકારની નાણાકીય વ્યવસ્થા નથી. જેથી ગુજરાતની સંવેદનશીલ સરકાર આ મુદ્દે આ તમામ ખેડૂતોના દિકરા-દિકરીઓને શૈક્ષણિક ફી માફ કરી ખેડૂતના હિતમાં નિર્ણય લે તેવી ASAP ની માંગણી છે.