Vijay Patel AAP: અમદાવાદમાં રોડ કરતા ફુટપાથ મોટા હોવાનું સામે આવ્યુ છે. જેનો આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ વિજય પટેલ, મહિલા પ્રમુખ સિદ્ધિ ભાવસાર સહીત કાર્યકર્તાએ પોસ્ટર સાથે રામ ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ શહેરમાં વિકાસના નામે AMC દ્વારા કરવામાં આવી રહેલી અયોગ્ય આયોજન અને અસમજદાર કામગીરી વધુ એક વખત સામે આવી છે. શહેરમાં રોડ કરતા ફુટપાથ વધુ મોટા બનાવવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ તકે અમદાવાદ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ વિજય પટેલે જણાવ્યું હતું કે સીજી રોડ પર સરકાર પટેલ ભવન ખાતે AMC દ્વારા જે રીતે રોડ કરતા ફુટપાથ મોટો બનાવવામાં આવ્યો છે તે તેમની બુદ્ધિનું પ્રદર્શન છે. વિકાસના નામે કરવામાં આવેલી આ મૂર્ખામી સામે આજે અમે અહીં વિરોધ કરવા અને પ્રજાને જાગૃત કરવા માટે આવ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર એક IAS અધિકારી હોય છે, જેમણે કલેક્ટરશીપ પૂર્ણ કર્યા બાદ આ જવાબદારી સંભાળી હોય છે અને જેમને સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે. આ બુદ્ધિશાળી સાહેબ બંછાનિધિ પાનીને હું કહેવા માંગુ છુ કે શું આ તમારી બુદ્ધિ છે? રોડ નાનો અને ફુટપાથ મોટો બનાવીને તમે કોને સેવા આપી રહ્યા છો? AMCના એન્જિનિયરો દ્વારા કરવામાં આવેલી આ મુર્ખામીના લીધે અમારે હલ્લાબોલ કરવો પડે છે. આ પ્રકારની અસમજદાર કામગીરીમાંથી બહાર આવવા માટે હવે પ્રજાને જાગૃત થવું પડશે. આવી મૂર્ખામી સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, નહીં તો શહેરમાં વિકાસના નામે સમસ્યાઓ વધતી જ જશે.