નાનાભાઈ માટે મોટાભાઈએ લખેલી ભાવુક Post…
“વહાલા ભાઈ જયેશ,
આજે સૌથી પહેલા અમારા મનમાં પ્રશ્ન પેદા થાય છે કે તને અમારા પ્રત્યે જે લાગણીઓ હતી, ભાવનાઓ હતી તે ક્યાં ગઈ ? અમને સૌને છોડીને આ રીતે ચાલ્યા જતાં તને અમારી જરાય ચિંતા ના થઈ કે મારા વિના આ પરિવાર રહી શકશે ? વહાલા ભાઈ, અમને તારી ખૂબ જ ચિંતા છે, તું એકપણ ક્ષણ બગાડ્યા વિના ઘેર પાછો આવી જા. અમે બધા તારી પડખે છીએ, તને જરા સરખી ય આંચ નહીં આવે અને તને કોઈપણ બાબતે કોઈ કશું જ કહેશે નહીં. તારા જે કઈં પ્રશ્નો હશે તે બધાનું અમે સુખદ સમાધાન લાવીશું, આ અમારું વચન છે. એ માટે તારે અમારી પાસે આવવાની જરૂર નથી, માત્ર અમને કોઈપણ રીતે તારે ઈશારો જ કરવાનો, અમે તરત જ તારી પાસે દોડી આવીશું.
વહાલા ભાઈ જયેશ, અત્યારે અમારી હાલત કેવી છે એની માત્ર તું કલ્પના કર…. એકવાર તારા હૈયાને પૂછી જો કે શું મારા વિના મારો દીકરો અને દીકરી સુખી રહેશે ? દીકરી તો વહાલનો દરિયો છે, પિતાનું હૃદય છે, એ દીકરીને નાની સરખી આંચ આવતી તો તું હચમચી જતો હતો, પણ આજે તેં આ રીતે ઘર છોડીને એ દીકરીના કલેજાને ચીરી નાખ્યું છે. એ દીકરી આજે આકરું કલ્પાંત કરી રહી છે, એને હવે હિમ્મત આપતા રહેવું અમારા વશની વાત નથી રહી. તારો દીકરો પણ પૂરેપૂરો તૂટી ગયો છે. એને તેં કસરતો કરાવીને ખૂબ મજબૂત કર્યો છે પણ એ આજે માનસિક રીતે નિર્બળ થઈ ગયો.
એની આંખો રડીને શુષ્ક થઈ છે, ચહેરા પર ઉદાસી અને વેદનાના તારો બાઝેલા છે. એના ચહેરા પર જરાય તાજગી નથી રહી. તારા પત્નીની પણ એ જ હાલત છે. એમની આંખો પણ તને જ શોધી રહી છે. તેં લખ્યું છે કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. પણ હું તને કહું છું કે કોઈને સાચો પ્રેમ કરનારી વ્યક્તિ આ રીતે તરછોડીને જતો રહે. ના, હરહંમેશ, ગમે તે પરિસ્થિતીમાં, સુખમાં કે દુખમાં તેની પડખે ઊભો રહે. પણ તું તો એમને દુનિયાને હવાલે કરીને જતો રહ્યો, એમનું જે થાય તે ? આ છે તારો એમના પ્રત્યેનો શાબ્દિક પ્રેમ ? હવે તારે અહી પાછા ફરીને એ સાબિત કરવાનું છે કે હું તેમની પડખે છું અને તેમને ખરેખર પ્રેમ કરું છું. વહાલા ભાઈ તારી લાડકી દીકરી, તારા વહાલસોયા દીકરા અને વહાલી પત્ની માટે તો પાછા ફરવું જ પડશે…” અને ઘણું બધું..
આ શબ્દો છે ખેડા જિલ્લાના નડિયાદના ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઈના મોટાભાઈ નરેન્દ્રભાઈના.
ઘટના કંઈક એમ છે કે, શિક્ષક જયેશભાઈ 5 તારીખે અચાનક ઘરે એક સુસાઈડ નોટ મુકીને નીકળી ગયા. આજે 6 દિવસ પછી પણ જયેશભાઈનો પત્તો નથી. પરીવારે બધી જગ્યાઓ ખૂંદી નાખી. પોલીસ વિભાગ સમક્ષ પણ વલોપાત કર્યો અને જાણવાજોગ નોંધાવી ગમે તેમ કરી જયેશભાઈને પરત લાવવા કાલાંવાલાં કર્યા. પરંતુ 6 દિવસે પણ ભાળ ન મળતા પરીવાર હાંફળો-ફાંફળો થઈ ગયો છે.
આજે જયેશભાઈના મોટાભાઈ નરેન્દ્રભાઈએ ઉપર લખેલી ભાવુક Post પોતાના ભાઈ સુધી એક મેસેજ પહોંચાડવા પ્રયાસ કર્યો છે. પરીવાર હજુ પણ જયેશભાઈ પરત આવી જશે તેવી આંશ રાખી છે, તો સાથે જ હયા ફાટ રૂદન કરી રહ્યો છે. પોલીસ વિભાગ પણ ખૂબ અંગત રસ દાખવી અને જયેશભાઈને શોધવા માટે પ્રયાસ કરે તે ખૂબ જરૂરી બન્યુ છે.