Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026–27નું અંદાજપત્ર રજૂ થયા બાદ તેના પર ચર્ચાનો બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આ મહત્વનો દિવસ છે. બીજી તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દ્વારા ડેડિયાપાડામાં પરીક્ષા કેન્દ્રોની નજીક મોટા વરઘોડો કાઢ્યો. જો આ મંત્રીઓને વિદ્યાર્થીઓની ચિંતા હોત તો વરઘોડો ન કાઢત. છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં તેમની સરકાર છે. જો યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આજે વરઘોડો કાઢવાની જરૂર ન પડતી. નવેમ્બરમાં નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવ્યા બાદ તરત જ કાર્યક્રમો યોજવાની જરૂર શા માટે પડી, તે પ્રશ્ન તેમણે ઉઠાવ્યો. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે ગૃહનો મહત્વનો દિવસ હોવા છતાં આદિજાતિ વિસ્તારના મંત્રીઓ અને ધારાસભ્યો ત્યાં ચૈતર વસાવા વિશે ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મનસુખ વસાવાના વખાણ કરવામાં આવે છે, પરંતુ પોતાના ગામ સુધીનો રસ્તો પણ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેના મુદ્દે મારે યાત્રા કાઢવી પડી અને ગૃહમાં પ્રશ્ન ઉઠાવવો પડ્યો.

ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે ખોટા આદિવાસી પ્રમાણપત્રોના કારણે બિનઆદિવાસી લોકોને નોકરી, શિક્ષણ અને રાજકીય રિઝર્વ બેઠકોમાં લાભ મળ્યો છે, જેના કારણે વાસ્તવિક આદિવાસીઓના હકોને નુકસાન થયું છે. તેમણે ગૃહમાં મળેલા જવાબનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે નર્મદા જિલ્લામાં 11,055 બાળકો કુપોષણથી પીડાય છે. નર્મદા અને ઉકાઈ ડેમ હોવા છતાં ડેડિયાપાડા વિસ્તારને પૂરતું પાણી મળતું નથી. 5,630 ખેડૂતોના જંગલ જમીનના હકો પેન્ડિંગ છે. મનરેગા હેઠળ છેલ્લા બે વર્ષમાં સરેરાશ માત્ર 18 દિવસની રોજગારી મળી છે. આ તમામ બાબતની વાત કેમ કરતા નથી ? તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં આશરે 149થી વધુ શિક્ષકોની ઘટ છે અને 145 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર, કરજણ અને ઉકાઈ ડેમના પ્રભાવિત લોકોની જમીનનું યોગ્ય વળતર આજદિન સુધી મળ્યુ નથી. આ બાબતની વાત કેમ નથી કરતા ? ચૈતર વસાવાની ટીકા કરવાની જગ્યાએ લોકોની સમસ્યાઓના નિવારણ પર ધ્યાન આપવું જોઈએ.