Rakesh Hirpara News: આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા દ્વારા સુરતના માંડવી પાસે તડકેશ્વરમાં ટાંકી દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર અને જવાબદારો સામે સ્પેશિયલ તપાસની માંગ કરવામાં આવી હતી. આ મામલે વાત કરતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બનતી દુર્ઘટનાઓ હવે સામાન્ય ઘટના બની ગઈ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના અને માંડવી ટાંકી દુર્ઘટના જેવા અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે, અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, અને આમ ગુજરાતની જનતા સતત જોખમમાં છે. તાજેતરમાં સુરત જિલ્લાના માંડવી તાલુકા, અરેઠ-તડકેશ્વર વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની, જેમાં મહિલાઓ અને બાળકોને ઇજાઓ પહોંચી છે. આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ ભાજપ સરકાર અને તેની ફંડેડ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓનું પરિણામ છે. આ દુર્ઘટનાની મુખ્ય જવાબદાર જયંતી સુપર કન્સ્ટ્રક્શન કંપની છે, જેણે સરકારી કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભાજપને ફંડિંગ આપ્યું હતું. સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા કરાયેલા ઓડિટમાં ખુલાસો થયો કે કંપનીએ ગેરરીતિપૂર્વક 13 કરોડ રૂપિયાનું બિલિંગ કર્યું હતું, જેમાંથી માત્ર 9.25 કરોડ રૂપિયા ચૂકવ્યા, બાકી રકમ હજુ બાકી છે. નોટિસ અને પૂર્વ તપાસ હોવા છતાં, આ કંપનીને રાજ્યભરમાં મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાં છે. જો આ કંપનીને અગાઉ બ્લેકલિસ્ટ કરવામાં આવતે, તો આજે માંડવી જેવી દુર્ઘટનાઓ અટકાવી શકાઈ હોત.

Rakesh Hirparaએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ છે કે માંડવી ટાંકી દુર્ઘટનાની સ્પેશિયલ અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન કંપનીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે. ગુજરાતમાં છેલ્લા 4–5 વર્ષમાં કંપનીના તમામ કામોની ગુણવત્તા અને સલામતી તપાસ કરવામાં આવે. કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે જવાબદાર મોટા નેતાઓ અને અધિકારીઓ સામે કડક પગલાં લેવા. જો આ માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધીજીના માર્ગે આંદોલન શરૂ કરશે. જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ જાગૃતિ અને સુરક્ષા માટે અવાજ ઉઠાવે.