Isudan Gadhvi: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને શિક્ષકો પર ચૂંટણી વિભાગ દ્વારા થતાં અતિશય દબાણ, અમાનવિય વર્તન અને તાજેતરના મૃત્યુ અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક અખબારોમાં અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટનાઓ પ્રકાશિત થઈ છે. ચૂંટણી ફરજના નામે શિક્ષકોને સતત રાત્રે ફોન કરીને, અતિશય દબાણ કરીને, તથા બિનજરૂરી ઉતાવળ કરીને BLO કામગીરી સોંપીને જીવન મુશ્કેલ બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બે શિક્ષકોને હાર્ટ એટેક આવ્યા અને એક શિક્ષકે આપઘાત કર્યો હોવાના સમાચાર પ્રકાશિત થયા છે. આ પરિસ્થિતિ માત્ર ચિંતાજનક જ નથી પરંતુ શિક્ષકોના માનવીય અધિકારોના ગંભીર ઉલ્લંઘન સમાન છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની બિનપ્રશિક્ષિત અને બિનજરૂરી ફરજો માટે દિવસ-રાત હેરાન કરવામાં આવી રહ્યા છે, જે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. બ્લોક લેવલ અધિકારીઓ (BLO), ERO/ARO અને સ્થાનિક ચૂંટણી મશીનરી તરફથી થતું દબાણ શિક્ષકોના માનસિક અને શારીરિક આરોગ્યને જોખમમાં નાખે છે. આ તમામ ઘટનાઓ સમગ્ર સિસ્ટમના નિષ્ફળ સંકલન અને વ્યવસ્થાપનની સીધી સાબિતી છે.

તો આ પરિસ્થિતિમાં બદલાવ આવે એ માટે અમારી સ્પષ્ટ અને તાત્કાલિક માંગણી છે કે SIRની કામગીરી સરળ અને સમયમર્યાદા વધારવામાં આવે જેથી કારણ વગરનું ડેડલાઈનનું પ્રેશર ઓછુ થાય. બીજી માંગ છે કે BLO/ERO/AROને આપવામાં આવેલ “એપ” જ અવિરત કાર્ય નથી કરી શકતી તો કર્મચારીઓ પાસે ૨૪ કલાક કામનું દબાણ કરવું કેટલું વ્યાજબી છે ? ત્રીજી માંગ છે કે તાજેતરના મૃત્યો અને આપઘાતની ઘટના અંગે ઉચ્ચસ્તરીય, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવવામાં આવે. ચોથી માંગ છે કે દબાણ કરનાર અધિકારીઓની ઓળખ કરીને તેમના પર કડક શિસ્તનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવે. પાંચમી માંગ છે કે શિક્ષકો માટે ‘Election Duty Grievance Cell’ અને 24×7 હેલ્પલાઇનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. અમારી છઠ્ઠી માંગ છે કે SIR / ECT / BLO કામની પ્રક્રિયામાં વ્યવસ્થિત SOP જાહેર કરવી જેથી અધિકારીઓ મનમાની ન કરી શકે.

શિક્ષકોને ચૂંટણી વિભાગના દબાણ હેઠળ જીવ ગુમાવવો પડે આ લોકશાહી માટે શરમજનક છે. ગુજરાતના હજારો શિક્ષકોનો આક્રોશ વધતો જાય છે અને જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે, તો આ મુદ્દો રાજ્યવ્યાપી શિક્ષક અસંતોષ અને આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. આથી, આપ આ સમગ્ર મુદ્દાને રાજ્યની પ્રાથમિકતા બનાવીને તરત જ કડક અને અસરકારક પગલાં લો એવી અમારી વિનંતી જ નહીં, પરંતુ રાજ્યના શિક્ષકોનો હક્ક છે.