Surendranagar: વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે. દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. ૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦ ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.