Surat: સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું સુરતથી લોન્ચીંગ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. તેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.
સુરતના ડુમસ રોડની લી મેરેડિયન હોટેલ ખાતે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસોસિયેશન, સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એક્વા ફાર્મિંગ, GIDCના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત પરિક્ષેત્રનો ઝડપી અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે, જેને પૂરી કરવા ગુજરાત સજ્જ છે, ત્યારે ગુજરાતના વિકાસ મોડેલને આ પહેલ નવી ઉર્જા પૂરી પાડશે, બુસ્ટ આપશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત @ 2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલીયન ડોલર બનાવવાનું અને ૩૪ લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.
હવે અમૃતકાળમાં વિકસિત ગુજરાત બનાવીને રાજ્ય સરકાર વિકાસમાં યોગદાન આપી દેશમાં અગ્રેસર રહેવા તત્પર છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગ્રોથ હબ પ્રોગ્રામ એ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન અંતર્ગત વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ૩૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરશે. એ માટે શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની આ પહેલને બિરદાવી ગુજરાતના સુરત સહિત છ જિલ્લાઓની આ યોજનામાં પસંદગી કરવા બદલ નીતિ આયોગનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે, ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવવા અંગે વિચારણા કરાશે એમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્યના જીડીપીમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના ૩૬ ટકા ફાળા સામે જીડીપીમાં સુરતના મેન્યુફેકચરીંગ સેકટરનો ફાળો ૫૫ ટકા છે, આ સિદ્ધિના પાયામાં ટેક્સટાઇલ, જેમ્સ જવેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાઈઝ જેવા પરંપરાગત ઉદ્યોગો રહેલા છે એમ ગૌરવપૂર્વક તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ વિઝનને અનુસરી ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું રાજ્ય સરકારનું પોતાનું આગવું વિઝન હોવાનું જણાવ્યું હતું.
આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પોલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતું સ્ટેટ હોવાના કારણે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે.
રાજ્યમાં ભૂતકાળમાં ગુજરાતને વારસામાં મળેલા સીમિત સંસાધનોને વિકાસના સ્રોતમાં પરિવર્તિત કર્યા છે એમ જણાવી તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ, સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની આગવી ઓળખ ઊભી થઈ છે એનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૧૯૬૦ પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી. દરિયો, રણ, ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા, પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે. ૨૦૦૧થી અઢી દાયકાનો વિકાસની મૂલવીએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ અને કેટલી ગતિનો હોય એનું પ્રમાણ ગુજરાતે આપ્યું છે.
આર્થિક વિકાસની આ યોજના સુરત અને આસપાસના અન્ય પાંચ જિલ્લાઓના વિકાસનો રોડમેપ કંડારશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આવનારા ૨૫ વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખી, ડેવલપમેન્ટ એક્શન પ્લાન સાથે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. રાજ્યના વિકાસ વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રિટ) પણ કાર્યરત કરી છે.
સુરત રિજીયનના સર્વાંગીણ વિકાસમાં સુરત શહેરનો અમૂલ્ય ફાળો રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે, ભારત સરકારે સુરત ઉપર મૂકેલા વિશ્વાસ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
એક ચબરખી ઉપર લાખો- કરોડોનો વેપાર બિઝનેસ કરતા સુરતના વેપારીઓ, ઉદ્યોગકારોની ક્ષમતાને જાણી પિછાણી ભારત સરકારે ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરી, સુરતના લોકોમાં ભરપૂર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નીતિ આયોગના આ માસ્ટર પ્લાનના અમલીકરણ થકી સુરત રિજીયન, દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બની રહેશે તેમ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
સુરત અને સુરત રિજીયનને વિકસિત બનાવવા માટે સૌના સાથ-સહયોગની અપેક્ષા વ્યક્ત કરતા શ્રી પાટિલે અહીં મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટસ તૈયાર કરવાની સુરતની ક્ષમતાને પણ માસ્ટર પ્લાનમાં સમાવવાનું રચનાત્મક સૂચન કર્યું હતું. સુરત શહેર અને રિજીયનમાં સાકાર થઈ રહેલા વર્લ્ડ કલાસ પ્રકલ્પોનો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો.
ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિશે વિસ્તૃત વિગતો આપતા નીતિ આયોગના સી.ઈ.ઓ. શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે, સુરત અને આસપાસના પાંચ જિલ્લાઓમાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે. સુરત આર્થિક ક્ષેત્ર પાસે સમતોલ વિકાસની પૂર્ણ ક્ષમતા અને લાયકાત છે. નીતિ આયોગ દ્વારા ગુજરાત સરકાર, સુરત સ્થાનિક પ્રશાસન સાથે મળીને ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં કેટલાક દિવસો નહીં, પરંતુ સતત એક વર્ષની મહેનત અને મંથન કરાયું છે.
પોટેન્શ્યલ ગ્રોથ ડ્રાઈવર તરીકે સુરત પ્રદેશ ન માત્ર ગુજરાત બલ્કે ભારતના વિકાસમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપશે એમ જણાવી શ્રી સુબ્રમણ્યમે ઉમેર્યું કે, સુરત રિજીયનનો વિકાસ લંડનના વિકાસને પણ પાર કરી જશે. કોઈપણ શહેરના સર્વાંગી વિકાસ માટે ચાર માપદંડો- બેઝ લાઇનિંગ, ગ્રોથ ઇન્ડીકેટર્સ, સિટી લિવિંગ સ્ટાન્ડર્ડસ અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, જે સુરત ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે. વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને બળ આપતા ગુજરાત સરકારે દેશનું સૌપ્રથમ ડાઈનેમિક વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે, તે અત્યંત સરાહનીય છે.
સુરત પાસે રોડ-રેલવે કનેક્ટિવિટી, એરપોર્ટ અને દરિયો એમ તમામ સ્તરે વિકાસની શક્યતાઓ રહેલી છે. સુરતમાં ડાયમંડ અને જ્વેલરીના ટ્રેડ સેન્ટર બનાવવાના લક્ષ્ય સાથે અહીંના રોડ રસ્તા-ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્યમાં ટકાઉ વિકાસ સાથે ગ્લોબલ કૉમ્પીટેટીવ સિટી બનાવી વૈશ્વિક કંપનીઓને સુરતમાં લાવવી અને સ્થાનિક કંપનીઓને વૈશ્વિક સ્તરે લઈ જવાની આ યોજના હોવાનું શ્રી સુબ્રમણ્યમે કહ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું કે, ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ બાદ સુરત રિજીયનનો વિકાસ દર રાજ્યના ઓવરઓલ વિકાસ દર કરતા પણ વધી જશે. સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી ૫૦ વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના સુરત, વારાણસી, મુંબઈ અને વાયઝાગ(આંધ્રપ્રદેશ) એમ ચાર શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવવામાં આવશે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત ઇકોનોમિક રિજીયનના સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત, વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ સર્વ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, મનસુખભાઇ વસાવા, રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મુખ્યમંત્રીશ્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો.હસમુખ અઢિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, સુરત રિજીયનના અન્ય પાંચ જિલ્લાઓના કલેકટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓ, વિવિધ ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ, નીતિ આયોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.