Gujarat High Court News: સુરત: ઉચ્ચ ન્યાયાલયે NDPS એક્ટ, USDT સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાહિત કેસોમાં ત્રણ અલગ-અલગ આરોપીઓને નિયમિત જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ત્રણેય કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને તપાસ પૂર્ણ થયા બાદ ઉચ્ચ ન્યાયાલયે આરોપીઓને ચોક્કસ શરતો સાથે રાહત આપી છે. આ ત્રણેય કેસોમાં સુરતના એડવોકેટ જફર બેલાવાલા અને હાઈકોર્ટના એડવોકેટ અનિક ટિંબાલિયાએ આરોપીઓ વતી પૈરવી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે તમામ કેસોમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને આરોપીઓની હિરાસતની હવે જરૂર નથી. (For Any News Contact 93291-11133)

પ્રથમ કેસમાં, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મે 2024માં નોંધાયેલા MD ડ્રગ્સ કેસમાં આરોપી મોહમ્મદ રેહાન જાવેદ શેખને હાઈકોર્ટે જામીન આપ્યા છે. આરોપ છે કે પોલીસે તેને 2.60 ગ્રામ મેફેડ્રોન અને રોકડ સાથે ઝડપ્યો હતો. બીજા કેસમાં, અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 2025માં નોંધાયેલા કરોડો રૂપિયાના ડિજિટલ કરન્સી (USDT) ગોટાળામાં પોલીસે આરોપી ફઝલ શકીલ શેખની ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતો કે તેણે પોતાનું બેંક ખાતું મુખ્ય આરોપી બસ્સામ ડોક્ટરને 15 હજાર રૂપિયામાં આપ્યું હતું, જેનો ઉપયોગ ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવામાં થયો હતો. ત્રીજા કેસમાં, વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1.60 કરોડ રૂપિયાના સાયબર હવાલા અને ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કેસમાં સુરતના રહેવાસી મોહમ્મદ અલસૈફ અય્યુબ સૈયદની પણ ધરપકડ કરવામાં આવી હતી. (Gujarat High Court News)