Surat News:  સુરત: પોતાને અમેરિકાની જાણીતી કંપનીઓના ખરીદદાર તરીકે રજૂ કરીને શહેરના હીરા વેપારીઓ પાસેથી હીરા મંગાવી અને ચુકવણી ન કરીને ઠગાઈ કરવાના કેસમાં ઇકો સેલે ચાર આરોપીઓ પાસેથી હીરા જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓએ કુલ 7 હીરા મંગાવ્યા હતા, જેની કિંમત આશરે 4.80 કરોડ રૂપિયા છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપીઓએ રેપનેટ વેબસાઇટ પરથી હીરા વેચતી કંપનીઓની માહિતી, સરનામાં, મોબાઇલ નંબર અને હીરાની વિગતો મેળવી હતી. EXIMPEDIA.COM અને અન્ય સાઇટ્સ પરથી અમેરિકન કંપનીઓ અને તેમના કર્મચારીઓના ફોટો તથા લોગો મેળવ્યા હતા. વર્ચ્યુઅલ નંબર અને વોટ્સએપ એકાઉન્ટ બનાવીને પોતાને કંપનીના ખરીદદાર તરીકે રજૂ કર્યા. વેપારીઓ પાસેથી હીરા ખરીદ્યા અને 3-7 દિવસમાં ચુકવણીનું વચન આપીને ઠગાઈ કરી. હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોકથી મંગાવ્યા હતા, અને ચુકવણી ન કરીને વર્ચ્યુઅલ નંબર બંધ કરી દીધા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીકુંજ ભરતભાઈ આંબલિયા પ્રજાપતિ, મિતુલકુમાર પ્રેમજીભાઈ ગોઠી, અનુજ દીપકભાઈ શાહ અને ચેતન રાજુભાઈ સાગરનો સમાવેશ થાય છે.