Surat: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમા કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પણ પાલન કરતા નથી. આ વચ્ચે હવે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે તો નિયમો તોડનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે અને જે સુરતીવાસીઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઇ છે. રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ લાગવાને કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનને કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે તે વાતે પણ હર્ષ સંઘવીએ આવકારી હતી.ટ્રાફિકના નિયમનો ઘડોલાડવો કરતા વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની પણ હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે.