સુરતમાં રાજકારણીઓ પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી મિલકતોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં હોય ત્યાં પોતાના બેનરો લગાવી રહ્યાં છે. પરીણામે જાહેર જગ્યા અને રસ્તાઓ પર લગાવવામાં આવેલા નેતાઓના બેનરોને કારણે અકસ્માત થવાનો ભય ઉભો થઈ રહ્યો છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસની શુભેચ્છા માટે બેનરો અને હોર્ડિંગ્સનો ખડકલો કરી દીધો છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસે લગાવાયેલા બેનરોની સરખામણીમાં આ વખતે વધુ હોર્ડિંગ્સ જોવા મળ્યા છે.

સંગીતા પાટીલના જન્મદિવસ (આવતીકાલે)ની શુભેચ્છા આપવા શુભેચ્છકોએ મોટા ભાગે સરકારી મિલકતોનો સહારો લીધો છે. ઈલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર આસપાસ સીધા બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જે શોર્ટ સર્કિટ અથવા વીજપ્રહારથી ગંભીર અકસ્માતનું જોખમ ઉભું કરે છે. તાજેતરમાં ખુલ્લો મુકાયેલ પાલિકાનો અંડરપાસ પણ છોડાયો નથી. એન્ટ્રી પોઇન્ટ પર જ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પાલિકાના લાઈટ પોલ, ચાર રસ્તાના વળાંક અને અન્ય જાહેર સ્થળોએ પણ વિશાળ બેનરો ટાંગવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોને દૃશ્ય અવરોધ થવાથી અકસ્માતની શક્યતા વધી રહી છે.

આ સમગ્ર મામલાએ લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ તેમજ લિંબાયત ઝોનની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. થોડા સમય પહેલા શિવ કથાના બેનરો મંજૂરી વિના લગાવાયા હોવાના કારણસર દૂર કરવામાં આવ્યા હતા, તો હવે પ્રશ્ન એ છે કે આ બધા જન્મદિવસના બેનરો માટે લિંબાયત ઝોન તરફથી મંજૂરી આપવામાં આવી છે કે નહીં જે તપાસનો વિષય છે.

આમ, જાહેર જગ્યાઓના થતાં બેફામ દૂરઉપયોગને અટકાવવા અને જાહેરહિતના રક્ષણાર્થે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે. સાથે જ આ બેનરોની પરવાનગીની તપાસ કરીને નિયમ ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. ત્યારે જોવાનું રહેશે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી રાજનેતાઓની ભૂલોને છાવરવાનું કામ કરશે.

આ પણ વાંચો