સુરત. એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરતથી બેંગલુરુ વચ્ચે નવી નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી સેવા 27 ઓક્ટોબરથી શરૂ થશે. આ સાથે હવે મુસાફરોને દિવસમાં બે વખત સીધી ફ્લાઇટની સુવિધા મળશે, જેનાથી સુરત અને બેંગલુરુ વચ્ચેનો હવાઈ સંપર્ક વધુ મજબૂત થશે. એરલાઇનના સત્તાવાર શેડ્યૂલ મુજબ, નવી ફ્લાઇટ સવારે અને સાંજે બંને સમયે ઉપલબ્ધ રહેશે. આ નવી કનેક્ટિવિટી વેપારી મુસાફરો, વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેઓ વારંવાર બેંગલુરુની મુસાફરી કરે છે.

હવાઈ ભાડાં પર નિયંત્રણના નિર્દેશ
દિવાળી અને છઠ પર્વ દરમિયાન હવાઈ ભાડામાં ઝડપથી થઈ રહેલા વધારા પર નિયંત્રણ લાવવા માટે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. ડીજીસીએ જણાવ્યું છે કે એરલાઇન્સે વધારાની ફ્લાઇટ્સ ઉમેરવી જોઈએ.
ભાડું ઘટવાથી સુરતના મુસાફરોને ફાયદો થશે
ડીજીસીએ જણાવ્યું છે કે તે તહેવારોના સમયગાળા દરમિયાન એરફેર અને ફ્લાઇટ ક્ષમતા બંને પર કડક નજર રાખશે. આનાથી સુરત ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર પણ મુસાફરોને ફાયદો થશે, જ્યાં હાલથી જ દિવાળી વીકએન્ડ માટે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને જયપુર જેવા રૂટ પર ભાડું 8 થી 10 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.
સુરત-બેંગલુરુ ફ્લાઇટનું શેડ્યૂલ
ફ્લાઇટ | પ્રસ્થાન | બેંગલુરુ આગમન |
---|---|---|
સુરત-બેંગલુરુ | સવારે 9:50 | બપોરે 12:05 |
સુરત-બેંગલુરુ | સાંજે 5:15 | સાંજે 7:15 |
બેંગલુરુ-સુરત ફ્લાઇટનું શેડ્યૂલ
ફ્લાઇટ | પ્રસ્થાન | સુરત આગમન |
---|---|---|
બેંગલુરુ-સુરત | સવારે 7:30 | સવારે 9:20 |
બેંગલુરુ-સુરત | બપોરે 2:45 | સાંજે 4:45 |