સુરતના ગ્રીષ્મા હત્યાકાંડની વાત આવતા હજી પણ કેટલાક લોકોના રૂંવાડા ઉભા થઇ જાય છે ત્યારે સુરતમાં વધુ એક ઘટનાએ ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવી છે. ગ્રીષ્માના હત્યારા ફેનિલનું નામ લઈ એક યુવકે યુવતીને ધમકી આપી છે. યુવકે ધમકી આપતા કહ્યું કે ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ એવી ફરિયાદી યુવતીને જતીન ગજેરા નામના યુવાને ધમકી આપી હતી. તેમજ વ્હોટ્સ એપ પરના ફોટો વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કરવા દબાણ કર્યું હતું. જેના બાદ યુવતીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે જતીન ગજેરાની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર સુરતના ચોક બજાર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી છે. ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા લગ્ન નહીં કરે તો મારી નાંખીશ એવું કહી તેની પાસે લગ્નના ફોર્મ પર સહી કરાવી દીધી હતી. બાદમાં યુવતીના ફોટા વાયરલ કરતા મામલો ચોક બજાર પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.

સમગ્ર મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઇ હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વ્હોટ્સએપ ઉપર વાત કરતા હતા. તે દરમિયાન જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યેનકેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતુ.

પરંતુ યુવતીએ ઈન્કાર કરતા જતીને ફોર્ટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા. પરંતુ ત્યાર બાદ જતીને યુવતીના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.