સુરત એરપોર્ટ પરથી એક મહિલા 41 લાખ રૂપિયાના સોના સાથે ઝડપાઈ છે. કસ્ટમ અને DRI વિભાગે બુધવારે રાતે એક મહિલાને શંકાના આધારે ઝડપી હતી. મહિલાની તપાસ કરતા તેના પાસેથી કેપ્સ્યુલમાં સંતાડેલું 500 ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું.

મહિલા બંને કેપ્સ્યૂલ તેનાં પ્રાઈવેટ પાર્ટમાં સંતાડીને લાવી હતી. આ મહિલા 4 મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી. આ મહિલાને બુધવારે રાત્રે જ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવી હતી. કસ્ટમ અને DRI વિભાગને આ મહિલા દુબઈથી આવતી ફ્લાઈટમાં ગોલ્ડ લાવી રહી હોવાની બાતમી મળી હતી. મહિલાની અટકાયત કર્યા બાદ મહિલાને એક્સ રે કરાવવાનું કહેતા મહિલા દ્વારા આનાકાની કરવામાં આવી હતી. જે બાદ તેને જજનાં બંગલે લઈ જવામાં આવી હતી.

જજનાં બંગલે લઈ ગયા બાદ સરકાર પક્ષની દલીલો બાદ રાત્રે બે વાગ્યે મહિલાનો એક્સરે કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનાં પ્રાઈવેટ પાર્ટમાંથી બે કેપ્સ્યૂલ મળી આવી હતી. જે બાદ કસ્ટમ વિભાગ દ્વારા બંને કેપ્સ્યૂલને પીગાળવા માટે કોર્ટની મંજૂરી માંગ્યા બાદ બંને કેપ્સ્યૂલને પીગાળવામાં આવી હતી. કેપ્સ્યૂલ પીગાળ્યા બાદ 550 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જે બાદ મહિલાનું સ્ટેસમેન્ટ લઈ મહિલાને જવા દેવામાં આવી હતી.