Surat મહાપાલિકાએ મિલકતદારોને વેરા બીલમાં ક્યુઆર કોડ આપી ઓનલાઈન પેમેન્ટની કામગીરી વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે આગળ વધવાની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

Surat: મોબાઈલ એપમાં જઈ ઓનલાઈન પેમેન્ટની ચુકવણીની સાથોસાથ ક્યુઆર કોડ સ્કેન કરી સિસ્ટમ વધુ સરળ બનાવવા તજવીજ

Surat મહાપાલિકાની મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ ચૂકી છે. ટેન્ડર પ્રસિદ્ધ કરવાથી માંડી વહીવટી વિભાગો દ્વારા ફાઈલિંગની કામગીરી, કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચુકવવા માટે થઈ રહેલી બિલિંગની કામગીરી, બેંક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરવાથી માંડી વિવિધ પ્રકારની સેવાઓ માટે ઓનલાઈન ટ્રાન્ઝેકશન વધુ સરળ અને માફક આવી ચુક્યું છે. જન્મ-મરણના દાખલાની કામગીરી પણ ક્યુઆર કોડ બેઈઝડ થઈ ચૂકી છે.

આ દિશામાં આગળ વધી હવે મિલકત વેરાની કામગીરી પણ ક્યુકોડ આધારિત કરવા તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભ્યોએ સૂર વ્યક્ત કર્યો હતો. શહેરમાં ૨૫ લાખ મિલકતો આવેલી છે. આ મિલકતના માલિક દ્વારા ટેક્સ પેટે થતું સરકારી ભરણું ક્યુઆર કોડ સ્કેન કરી સીધું ઓનલાઈન પેમેન્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કરાયો હતો.

વર્તમાન સમયે મહાપાલિકાની મોબાઈલ એપ્લિકેશનમાં જઈ પ્રોપર્ટી ટેક્સ કે પ્રોફેશનલ ટેક્સ ટુલ્સ ખોલી તેમાં ટેનામેન્ટ | નંબર દર્શાવી ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. મિલકતનો ટેનામેન્ટ નંબર નહીં હોય તો પેમેન્ટની કામગીરી શક્ય બનતી નથી. જેથી વેરાના બીલમાં ક્યુઆર કોડ દર્શાવી સીધું ઓનલાઈન પેમેન્ટ કરી શકાય તે પ્રકારનું આયોજન કરી મિલકત વેરાની | ચુકવણી વધુ સરળ બનાવવા જણાવાયું હતું. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા પણ હકારાત્મક અભિગમ સાથે ઝડપથી આગળ વધવાની દિશામાં તજવીજ હાથ ધરાશે એવી હૈયાધરપત અપાઈ હતી.