ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. આ ડેમની જો વાત કરીએ તો વેરાવળમાં હિરણ-2, તાલાલમાં હિરણ-1, કોડીનારમાં-શિંગોડા અને ઉનામાં રાવલ અને મચ્છુન્દ્રી સિંચાઈ યોજના આવેલી છે. આ પાંચેય ડેમોમાં પાણીની હાલની શુ સ્થિતિ છે. તે જાણવાનો અમે પ્રયાસ કર્યો ત્યારે ગીર વિસ્તારની પાંચેય સિંચાઈ યોજનામાં પાણી કેટલું છે અને ક્યાં સુધી ચાલશે તે અત્રે પ્રસ્તુત છે.

 સૌરાષ્ટ્રમાં ગત ચોમાસુ ખૂબ સારું રહ્યું હતું.આથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા.આ સમયે ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ડેમોની સ્થિતિ ખૂબ સારી છે.રવિ પાક માટે પાણી અપાયું છે.તો ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. શિંગોડા,મચ્છુન્દ્રી, રાવલ અને હિરણ-૧ તથા હિરણ-૨.આ પાંચેય ડેમોમાં પૂરતા પ્રમાણમાં હાલ પાણી ભરાયેલું છે. રવીપાક માટે જિલ્લાનાં ખેડૂતોને કેનાલો મારફત 5 થી લઈને 8 પાણી આપવામાં આવ્યા છે તો ઉનાળુ સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે.

 ગીરના ડેમમાં પાણીની વર્તમાન સ્થિતિ જોઈએ તો હિરણ-૧ માં 62 ટકા પાણી છે,હિરણ-૨ માં 44 ટકા પાણી  છે તો શીંગોડામાં 21 ટકા પાણી છે. રાવલ ડેમમાં 66 ટકા અને મચ્છુન્દ્રી ડેમમાં 37 ટકા પાણીનો જીવંત જથ્થો સંગ્રહાયેલો છે. અને ગીરમાં આવેલા ડેમના કમાન્ડ વિસ્તારમાં બંને પાણી પૂરતા પ્રમાણમાં કેનાલ મારફતે ખેડૂતોને મળી રહેશે.આ સાથે પીવાનું પાણી પણ ઉના, દીવ, કોડીનાર,વેરાવળ અને તાલાળા શહેરને વ્યવસ્થિત મળી રહે તેટલો પાણીનો જથ્થો ગીરનાં ડેમોમાં સચવાયેલો છે.

વન્ય પ્રાણીઓ માટે 100 એમસીએફટી પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે. આમ ગીરના ડેમોમાં 21થી 66 ટકા જેટલું પાણી આકરો ઉનાળો હોવા છતાં હજુ સચવાયેલું છે.સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં ઉનાળા દરમિયાન કદાચ પાણીની તંગી અનુભવાય.પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંયે ઉનાળાનાં 4 મહિના દરમિયાન પાણીની તંગી અનુભવાશે નહીં.

 વર્તમાન સમયમાં ગીરનાં ડેમોની સ્થિતિ એકંદરે સારી છે.જેને લઈ ખેડૂતો અને ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોમાં ખુશી નો માહોલ છે.ગીર જંગલમાં જે વરસાદ પડે છે તે તમામ પાણી આ પાંચ ડેમોમાં ઠલવાય છે.વરસાદ બંધ થયા બાદ પણ ગીરનાં ડુંગરાઓ દુઝે છે.પાણીની અવિરત સરવાણી વહેતી રહે છે. સૌરાષ્ટ્રનો આ પ્રદેશ અદભુત ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોય પાણીના ભંડાર ભરપૂર રહે છે.ગીરના ડેમોમાંથી રવીપાક અને ઉનાળુ પાક દરમિયાન હજ્જારો હેકટર ખેતીનીજમીન માટે કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે.તો જિલ્લાનાં મુખ્ય શહેરોને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપ લાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવા માં આવે છે.

સિંચાઈ માટે,પીવા માટે કે ઉદ્યોગો માટે ગીર વિસ્તારમાં આગામી ચોમાસા સુધી પાણીનું ઉજળું ચિત્ર જોવા મળી રહ્યું છે.જો ચોમાસું ખેંચાય તો પણ ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી ગીરનાં તમામ ડેમોમાં છે.ગીરમાં આવેલા ડેમોને કારણે ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળામાં પણ પૂરતું પાણી મળી રહે છે. આથી ઉનાળુ પાક મગ,અડદ,તલ અને બાજરી જેવા પાકો ખેડૂતો સરળતાથી લઈ શકે છે.હાલ હિરણ-૨ ડેમ માંથી છઠ્ઠું પાણી અપાઈ રહ્યું છે.અને કુલ નવ પાણી આપવામાં આવશે.

Also Read: