દેશની સુરક્ષા સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કૃષિ વિભાગના આસિસ્ટન્ટ ડીરેકટરના નામે બોગસ સ્પોન્સર લેટર તૈયાર કરવાનું એક ધુપ્પલ સામે આવ્યું છે. અમદાવાદના એક વ્યક્તિએ પોતાની દીકરીને પાકિસ્તાનથી ભારત બોલાવવા બોગસ લેટર તૈયાર કરાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા હકીકત સામે આવી હતી . હાલ તો આ મામલે SOGએ બોગસ લેટર તૈયાર કરનાર ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સરદારનગર ભીલવાસમાં રહેતા ગોરધનભાઇ કિશનચંદ સોનીની દીકરી કુંતિલાના લગ્ન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા જયકુમાર રામસેવા સાથે થયા હતા. સરદારનગરના ગોરધન સોની દીકરી અને જમાઇને પાકિસ્તાનથી ભારત બોલાવવા માંગતા હતાને એના માટે જ તેઓએ રુપિયા 1500માં બોગસ લેટર તૈયાર કરાવ્યો હતો.પાકિસ્તાનમાં રહેતા દીકરી, જમાઇ અને બે સંતોનોને ભારત આવવા માટે વિઝાની જરૂર હોઇ પિતાએ જામીનદાર થઇને સ્પોન્સર લેટર તૈયાર કરાવ્યો હતો.
ઝેરોક્સની દુકાનવાળાએ જ સ્પોન્સર લેટર પર ગાંધીનગર કૃષિભવનના આસિ. ડાયરેક્ટરનો સિક્કો બનાવી તે લેટર સબમિટ કરાવ્યો હતો. પાકિસ્તાનથી આવી રહેલા પરિવાર માટે રૂ. 1500માં બોગસ સિક્કાવાળો લેટર તૈયાર તો થઇ ગયો પરંતુ, આ બાબતે આવેલી અરજી પર શંકા જતા સ્પેશિયલ બ્રાંચે એસઓજીની ટીમને તપાસ સોંપી ત્યારે ખોટા સહી સિક્કા વાળો લેટર હોવાનું માલૂમ પડ્યું હતું.
કૃષિભવનના આસિસ્ટન્ટ ડાયરેક્ટરના નામનો સહી અને સિક્કો ખોટી રીતે લગાવવા મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા સહી-સિક્કો ખરેખર ખોટો જ હોવાનું બહાર આવતા તેઓએ ઝેરોક્સની દુકાનમાં જઇને ટેકચંદની પૂછપરછ કરી હતી. દુકાનની તપાસ કરતા લાલ કલરનો પ્લાસ્ટિકનો સિક્કો મળી આવ્યો હતો. પૂછપરછમાં ટેકચંદે જણાવ્યું કે, તેણે ઓનલાઇન આસિસ્ટન્ટ ડાયરેક્ટરનો સિક્કો બનાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ટેકચંદ પહેલાં એજન્ટો સાથે કામ કરતો હતો અને આવા લેટર તૈયાર કરાવતો હતો. બાદમાં એજન્ટોથી છૂટો થઇ ગયા બાદ તેણે જાતે જ આવા લેટર અને સિક્કા બનાવી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે ખોટા સિક્કા કે લેટર તૈયાર કરનારા લોકો સામે કડકમા કડક પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે,આ બાબતે પોલીસે બનાવટી સિક્કા મારી આપનાર ઝેરોક્સની દુકાનવાળા ટેકચંદ લોલતરામ લાધાણીની ધરપકડ કરી છે. તેણે આવા કેટલા લેટર બનાવ્યા તેની તપાસ ચાલી રહી છે.