વડોદરા. ગણેશોત્સવની ઉજવણી વચ્ચે વડોદરા શહેરના કપૂરાઈ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટાપાયે દારૂ દરોડો હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 51,93,312ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 8231 બોટલ્સ ભારતીય દારૂ (IMFL) અને એક ઈન્ટ્રા પિકઅપ વાહન (નંબર: GJ06BV6986)નો સમાવેશ થાય છે. આ દરોડામાં ચાર આરોપીઓ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

કપૂરાઈ ક્રોસ રોડ નજીક દરોડો
02 અને 03 સપ્ટેમ્બર 2025ની રાત્રે કપૂરાઈ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા વેસ્ટેરિયા હાઈટ્સ બિલ્ડિંગ પાસે SMCની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 44,93,312ની કિંમતની 8231 IMFL બોટલ્સ અને રૂ. 7 લાખની કિંમતનું વાહન જપ્ત કરવામાં આવ્યું. આ કેસ પ્રતિબંધ અધિનિયમની કલમ 65(A)(E), 81, 98(2), અને 116(B) હેઠળ નોંધાયો છે. દરોડાનું નેતૃત્વ SMCના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (PSI) આર.જી. વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
ચાર આરોપીઓ વોન્ટેડ
આ કેસમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં દારૂનો જથ્થો મેળવનાર, સપ્લાય કરનાર, વાહનનો ડ્રાઈવર અને વાહનનો માલિકનો સમાવેશ થાય છે. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. પોલીસે આરોપીઓની શોધખોળ માટે ટીમો ગોઠવી છે અને ગેરકાયદે દારૂના નેટવર્કને ખુલ્લું પાડવા તપાસ તેજ કરી છે.