ગાંધીનગર: બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. અગાઉ વિપક્ષે નકલી મતદારો હોવાના આરોપ લગાવ્યા હતા. ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) નામનું ખાસ ગહન પુનરાવર્તન અભિયાન ચલાવ્યું હતું, જેમાં દરેક મતદારનું સત્યાપન કરવામાં આવ્યું અને માપદંડો પર ખરા ન ઉતરનારા મતદારો પાસેથી પુરાવા પણ માંગવામાં આવ્યા હતા.

 જોકે, આ મામલે ઘણો વિવાદ થયો અને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. હવે ગુજરાતમાં પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવશે.ગુજરાતમાં દિવાળી બાદ એટલે કે ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા શરૂ થશે. આ અભિયાન હેઠળ ગુજરાતના તમામ મતદારોની બે મહિના સુધી તપાસ કરવામાં આવશે.

ગયા વર્ષે લોકસભા ચૂંટણી વખતે ગુજરાતની કુલ 26 બેઠકો પર સાડા ચાર કરોડથી વધુ મતદારો નોંધાયા હતા. સામાન્ય રીતે એક બૂથ પર આશરે 1400 મતદારો હોય છે, તેથી ચૂંટણી પંચ જે પ્રક્રિયા હાથ ધરવા જઈ રહ્યું છે તેની અસર ગુજરાતના દરેક શહેર અને ગામડાઓમાં રહેતા પુખ્તવયના નાગરિકો પર પડશે.