અમદાવાદ: રૂ.૬૦૦૦ કરોડના ચકચારભર્યા BZ ગ્રુપના કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજયોમાં આશરો આપવાના પ્રકરણમાં આગામી દિવસોમાં વધુ ધરપકડો થાય તેવી સંભાવના છે. બીજીબાજુ, આ કેસમાં મુખ્ય આરોપીને આશરો આપી પોલીસ ધરપકડથી બચાવવા ગુનાહિત મદદગારી કરવા બદલ સીઆઈડી ક્રાઈમ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૪૯નો ઉમેરો કરવા ખાસ રિપોર્ટ ગ્રામ્ય કોર્ટમાં આપ્યો હતો., જેને કોર્ટે મંજૂર રાખ્યો હતો.

ભૂપેન્દ્રસિંહ ઝાલાને મ.પ્ર., રાજસ્થાન, ગુજરાત સહિતના સ્થળોએ આશરો આપનાર પણ એટલા જ જવાબદાર

તેથી હવે BZ ગ્રુપના કૌભાંડના કેસમાં બીએનસની કલમ-૨૪૯નો વધુ ઉમરો થવા પામ્યો છે. સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક અશ્વિન એમ. પટેલે સ્પે. કોર્ટમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કમલ-૨૪૯નો ઉમેરો કરવા રિપોર્ટ કર્યો હતો.

તપાસનીશ એજન્સી સીઆઈડી ક્રાઈમ તરફથી રજૂઆત કરાઈ હતી કે, આરોપીઓએ સુઆયોજીત કાવતરાના ભાગ રૂપે સંખ્યાબંધ લોકોને ઠગ્યા છે. આ ગુનો જાહેર થયા બાદ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિહ ઝાલા એક મહિનાથી ફરાર હતો અને તેને જુદા જુદા લોકોએ અલગ અલગ સ્થાનો પર આશ્રય આપ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ તેણે કબૂલ્યુ હતું કે, તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ગુનો દાખલ થયો બાદ ધરપકડ ટાળવા માટે તે મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તેમ જ ગુજરાતમાં મહેસાણા સહિતના વિવિધ વિસ્તારમાં છુપાતો ફરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુનેગાર હોવાનું જાણવા છતા તેને મહિના સુધી જુદી જુદી જગ્યાએ આશ્રય આપનાર અને ગુનાહિત મદદગારી કરનાર લોકો પણ આ કેસમાં એટલા જ જવાબદાર આરોપી ગણાય અને તેથી આ કેસમાં બીએનએસ એક્ટની કલમ-૨૪૯નો ઉમેરો કરવો જોઈએ.