અમદાવાદ. સરખેજ પોલીસે ગઈકાલે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ફતેહવાડી કેનાલ નજીક આવેલી મોહંમદી સોસાયટીમાં નકલી દેશી અને વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ક્વોડે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.31 ઓગસ્ટ 2025ની રાત્રે 11:55 વાગ્યે શરૂ થયેલો આ દરોડો લગભગ 35 મિનિટ સુધી ચાલ્યો અને 1 સપ્ટેમ્બર 2025ની મધરાતે 12:30 વાગ્યે સમાપ્ત થયો. બાતમીના આધારે પોલીસે મોહંમદી સોસાયટીના મકાન નંબર 58 (ફુઝેલ પાર્ક સોસાયટીની સામે) સ્થિત આ ફેક્ટરી પર દરોડો પાડ્યો.

ઘટનાસ્થળેથી પોલીસે નકલી દારૂ બનાવવા માટે વપરાતા કેમિકલ, દારૂની બોટલો, લેબલ અને અન્ય સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.જોકે, આ ફેક્ટરી ચલાવનાર મુખ્ય આરોપી અખ્તર અલી યુસુફઅલી સૈયદ, જે ગોમતીપુરનો રહેવાસી છે, તે દરોડા દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યો. સરખેજ પોલીસે હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.આ કાર્યવાહીથી નકલી દારૂના ગેરકાયદેસર વેપારને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી ચાલુ રહેશે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.