વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ બુધવારે દાવો કર્યો હતો કે કોમેડિયન Samay Rainaનો ગુજરાતમાં શો રદ કરવામાં આવ્યો છે. VHPનું કહેવું છે કે વિવાદાસ્પદ યુટ્યુબ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તાજેતરના એપિસોડમાં અભદ્ર ટિપ્પણીઓને લઈને લોકોના આક્રોશને પગલે સમય રૈનાના શો રદ કરવામાં આવ્યા છે.

VHPએ કહ્યું કે એપ્રિલમાં સમય રૈનાના શોની ટિકિટ હવે ઓનલાઈન પ્લેટફોર્મ ‘BookMyShow’ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી.

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં સોશિયલ મીડિયાના ‘પ્રભાવક’ રણવીર અલ્હાબાદિયાની વાંધાજનક ટિપ્પણીની વ્યાપક ટીકા થઈ રહી છે. આ અંગે અનેક પોલીસ ફરિયાદો નોંધાઈ છે.

ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે કહ્યું કે એવું લાગે છે કે ગુજરાતમાં Samay Raina સામે લોકોના નારાજગીને કારણે આ ચાર શો રદ કરવામાં આવ્યા છે. કોમેડિયન સમય રૈનાના રાજ્યમાં ચાર શો થવાના હતા. આ શો સુરતમાં 17 એપ્રિલે, વડોદરામાં 18 એપ્રિલે અને અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે (બે શો) થવાના હતા.

બુધવાર સવાર સુધી આ શોની ટિકિટ બુકમાયશો પર ઉપલબ્ધ હતી. પણ એવું લાગે છે કે હવે તેને પોર્ટલ પરથી હટાવી દેવામાં આવી છે. VHPના પ્રદેશ સચિવ અશ્વિન પટેલે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તાજેતરના વિવાદને કારણે આયોજકોએ આ શોને રદ કરવાનો નિર્ણય લીધો છે.

વિવાદ વચ્ચે કોમેડિયન સમય રૈનાએ બુધવારે કહ્યું કે તેણે રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તમામ એપિસોડ તેની યુટ્યુબ ચેનલ પરથી હટાવી દીધા છે. સમય રૈનાએ એમ પણ કહ્યું કે તે આ કેસની તપાસમાં તપાસ એજન્સીઓને સહકાર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા અને જાતીય સંબંધોને લઈને રણવીર અલ્હાબાદિયાની વાંધાજનક ટિપ્પણીની ભારે ટીકા થઈ રહી છે. મુંબઈ અને ગુવાહાટીમાં આ મુદ્દાને લઈને પોલીસમાં ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે.