Salt farmers: મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના કલ્યાણ માટેની યોજનાઓના ઘડતર અને અમલીકરણને ઝડપી મંજુરી આપવા માટે રાજ્યમાં ઉચ્ચ સ્તરીય એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. મીઠા ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે આ સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા તથા નવી યોજનાઓના ઘડતર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ બેઠકમાં મીઠાનું ઉત્પાદન કરતા ઉદ્યોગો,અગરિયાઓ સાથે સંકળાયેલ વિવિધ એસોસિએશન અને હિતધારકોની રજૂઆતો સાંભળી વિગતવાર ચર્ચા કરી હતી. આવનારા સમયમાં સકારાત્મક આયોજન હાથ ધરી, અગરિયાઓના ઉત્થાન માટેની સહાય યોજનાઓ દ્વારા અગરિયાઓને સશક્ત બનાવવા અંગેની કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. જેનો લાભ રાજ્યમાં મીઠું પકવતાં અગરિયાઓને મળી રહ્યો છે. અગરમાં કામ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ મીઠું પકવતા અગરિયાઓની મુશ્કેલીઓ દુર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ ઉપરાંત રાજ્યના અગરિયાઓને મીઠાના ઉત્પાદન માટે સોલારપંપ સિસ્ટમ ફાળવવા અંગેની યોજના કાર્યરત છે. જે હેઠળ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૪૯૦૦ થી વધુ અગરિયા પરિવારોને રૂ.૧૧૯ કરોડથી વધુની સહાય આપવામા આવી છે. એક અગરિયા લાભાર્થી કુટુંબ દ્વારા એક સોલારપંપ સીસ્ટમથી ડિઝલના ખર્ચમાં વાર્ષિક આશરે રૂ.૧.૫ થી ૨ લાખ જેટલી બચત થાય છે
અગરિયાઓની મુશ્કેલીઓને દુર કરવામાં શિક્ષણ, આરોગ્ય તથા માર્ગ અને મકાન જેવા વિવિધ ક્ષેત્રોમાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સ્કૂલ ઓન વ્હીલ યોજના હેઠળ ૩૮ મોબાઇલ બસ શાળાઓ-સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ અંતરીયાળ ગામના અગરિયા વિસ્તારની શાળાઓ માટે જરૂરી શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવી રહ્યાં છે.
એમ્પાવર્ડ કમિટીની અધ્યક્ષતામાં આરોગ્ય ક્ષેત્રે ૨૦ અગરિયા ધનવંતરી આરોગ્ય રથના વાહનો જિલ્લાઓને અગરિયા વિસ્તારમાં કામગીરી અર્થે ફાળવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં અગરિયા વિસ્તારમાં ૨,૯૫,૦૦૦ થી વધારે ઓ.પી.ડી., ૧૭૦૦ થી વધુ પ્રસુતિ સારવાર અને ૭૫,૦૦૦ થી વધુ લેબોરેટરી તપાસ મળી આશરે ૩,૭૧,૦૦૦ થી વધારે લાભાર્થીઓને આરોગ્ય વિષયક સેવા આપવામાં આવી છે.
અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ શ્રી હરણેશ પંડ્યાએ બેઠક દરમિયાન યોજનાના સફળતાપૂર્વકના અમલીકરણ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, યોજનાના અમલીકરણથી અગરિયાઓના કુટુંબની પાંચ પેઢીનું દેવું પાંચ વર્ષમાં ચૂકવવામાં આવ્યું છે. યોજનાથી ૭૦ ટકા ઉત્પાદન ખર્ચ ધટ્યો અને ઉત્પાદકતા અને નફાકારકતા વધી છે. તેમની ધિરાણ લેવાની નિર્ભરતા ધટી અને તેઓ સ્વતંત્ર્ય રીતે મીઠું પકવી બજારમાં વેચી રોજગારી મેળવી રહ્યાં છે.