મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરની સ્વ -સહાય જૂથની મહિલાઓ સાથે આજે ગાંધીનગર ખાતેના યોજાયેલા ‘Sakhi Samwad’ કાર્યક્રમમાં સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું.જેનો મહાનુભાવો, ડેલિગેટ્સ તેમજ રાજ્યભરમાંથી આવેલી બહેનોએ વિવિધ ઉત્પાદન ખરીદીનો ઉત્સાહભેર લાભ લીધો હતો.


તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને સંગઠિત કરી તેમને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે.

રાજ્ય સરકારની વિવિધ મહિલા સશક્તીકરણની યોજના થકી આજે ગુજરાતની ગૃહિણીઓ- ગ્રામીણ કક્ષાની બહેનો પોતાની કલા- કૌશલ્ય નિખારી તેમાંથી રોજગારી- આવક રળીને સન્માનભેર પગભર બની છે.

ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના સહયોગ થકી ભરત ગુંથણ, સિવણ, કેટરીંગ, પાપડ, અથાણાં, ખાખરા, રાગી- બાજરી- મીલેટની કુકીઝ,માટી કલાકામ, દોરી વર્ક, જડતર વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ મહીને નિશ્ચિત આવક મેળવી વધુને વધુ આત્મનિર્ભર બની છે, જેના પરિણામે તેમના જીવન ધોરણમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.


સખી મંડળ પહેલા બચતનો માર્ગ અને હવે આવકનું માધ્યમ બન્યું

અમારી રસોઈ કળા અમને આટલા રૂપિયા રળી આપશે એ પહેલા ક્યારેય વિચાર્યું ન હતું પણ તે સખી મંડળે સાર્થક કર્યું છે – પુરી બેન મુંધવા

ગુજરાતના ગામડાઓની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વ- સહાય જૂથોના માધ્યમ થકી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે ચાલતા આદ્યશક્તિ સખી મંડળની બહેનો વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, “અત્યાર સુધી અમારી કોઈ ઓળખ ન હતી, પણ આજે અમને ગર્વ છે કે સખી મંડળ થકી અમે જાતે અમારી ઓળખ બનાવી છે.”
વર્ષ 2010 થી ચાલતા આ મંડળની 18 બહેનો આજે પોતાની આવકથી આત્મનિર્ભર બની છે.

આ મંડળના પ્રમુખ શ્રી પુરીબેન મુંધવા જણાવ્યું હતું કે, પહેલા મંડળની બધી બહેનો મહિને 500 રૂપિયાની બચત કરતા. મંડળ માત્ર તેમના માટે બચતનું એક માધ્યમ હતું,પણ આજે આ મંડળ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બન્યું છે.


શ્રી પુરીબેને વધુમાં કહ્યું હતું કે, “અમે ગામડાની બહેનો આ પહેલા ક્યારેય બહાર એકલી નીકળી ન હતી, પણ આજે અમે ગાંધીનગર સુધી પહોંચ્યા તે માત્ર મંડળ થકી શક્ય બન્યું છે. મંડળની મહિલાઓ બધી ગૃહિણી એટલે રસોઈમાં પારંગત અને જુદી જુદી રસોઈ બનાવવા અને શીખવામાં પણ ઘણો રસ ધરાવે છે એટલે આ રીતે તેમણે રસોઈનો ઓર્ડર લેવાનું ચાલુ કર્યું છે. નાના-મોટા પ્રસંગોમાં 30 થી 50 માણસોના ઓર્ડર લેતા. પછી ધીમે ધીમે ઓળખ અને કામ બંને વધતું ગયું. હવે તેમને કાયમી કામ મળી ગયું છે. જામખંભાળિયા ખાતે જિલ્લા પંચાયતની કેન્ટીન ચલાવી અમે 18 મહિલાઓ વરસે રૂ. 10 થી 12 લાખની આવક મેળવીએ છીએ. વર્ષ 2010 પહેલા ક્યારેય વિચાર્યું પણ ન હતું કે અમારી રસોઈ કળા અમને આટલા પૈસા રળી આપશે! આજે એ શક્ય બન્યું છે જેનો સંપૂર્ણ શ્રેય સખી મંડળને જાય છે. આજે અમારા કામ થકી અમને ઘર ,સમાજ, ગામમાં પણ ખૂબ માન- સન્માન મળે છે.” આ બધું સરકારના એક સચોટ નિર્ણય અને મહિલા વિકાસની યોજનાઓની દેન હોવાનું જણાવતા દેવી ભૂમિ દ્વારકાના મંડળની તમામ બહેનો ફરીથી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.