મોરબી નગરજનો સાથે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ પણ ઉત્સાહભેર થયા સહભાગી
Morbi Run For Vote: લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે Run for voteનું આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે યોજાયેલી આ Run for vote અન્વયેની દોડમાં મોરબીના નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતા. વોટ માટે દોટ મૂકી સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ આ બાબતે જણાવ્યું હતું કે, સ્વીપ કામગીરીના ભાગરૂપે આજે મોરબીમાં Run for voteનું એક આયોજન કરવામાં આવ્યું છે. ૭ મી મેના રોજ મોરબી, ટંકારા અને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લાના ૧૮ વર્ષ ઉપરના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની આ પવિત્ર ફરજ અવશ્ય અદા કરે તેવા શુભ આશયથી મોરબીમાં આ Run for voteનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી વાસીઓ ઉત્સાહભેર આ આયોજનમાં સહભાગી બન્યા છે તે માટે હું જિલ્લા કલેક્ટર તરીકે સૌનો આભાર વ્યક્ત કરું છું અને મોરબી જિલ્લો ૧૦૦ ટકા મતદાન સાથે આખા દેશમાં પ્રથમ આવે તેવી અભ્યર્થના રાખું છું.
મોરબીના ઉમિયા સર્કલ થી શરૂ કરી રવાપર ચોકડી સુધી ૧૫૦૦ મીટર જેટલા અંતરમાં મતદાન જાગૃતિ અર્થે Run for vote અન્વયે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. Run for vote માં સૌએ નારા, બેનર, પોસ્ટર, ફ્લેગ વગેરે દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.
Run for voteમાં મોરબી જિલ્લાના નાગરિકો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા, મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એચ. ડાંગર, મોરબી સિટી મામલતદારશ્રી જસવંતસિંહ વાળા, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખિલ મહેતા, સિવિલ સર્જનશ્રી કે.આર. સરડવા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, પોલીસ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, એ વન સ્પોર્ટ એકેડમી, યુનિક સ્પોર્ટ એકેડમી તેમજ ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓ, જિલ્લા રમત ગમત કચેરી હેઠળના DLSS ખેલાડીઓ તેમજ અન્ય ખેલાડીઓ અને પત્રકારશ્રીઓ આ આયોજનમાં જોડાયા હતા.
ચૂંટણી વિભાગના ચૂંટણી મામલતદારશ્રી જાવેદ સિંધી, નાયબ મામલતદારશ્રી આર.જી. રતન, અપૂર્વ સોલંકી સહિતના સ્ટાફ દ્વારા આ આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.