Isudan Gadhvi News: નવસારીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાત ઝોન પ્રમુખ રામ ધડુક સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલા મિડિયા સાથે વાત કરતા AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જેને લઇને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા કરવામાં આવશે. નવસારીમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને લોકો સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ભાજપના નેતાને વહીવટ કરતા આવડતું નથી અને તમામ રૂપિયા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા છે. નેતાઓને એટલો અહંકાર છે કે પ્રજા મત આપ્યા વગર ક્યાં જશે ? આ અહંકાર પ્રજાને અત્યારે હેરાન કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ ડિમોલેશન કરવામાં આવ્યું છે તેનો પણ સદઉપયોગ કર્યો નથી. જળ શક્તિ મંત્રાલયનાં મંત્રી સી.આર.પાટીલનાં શહેરમાં જ 45 દિવસે પાણી આવતું હોય તો શું હાલત હોય ? કહેવાનો મતલબ એ છે કે નવસારીનો જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. પ્રજા પર ટેક્સ નાખે છે. મળતી માહિતી અનુસાર નવસારીમાં ચૂંટણી પછી વેરા લગભગ ડબલ કરવાના છે.નવસારીમાં રોડ, રસ્તાઓ, પાણીની, ગટરની, મોંઘવારીની અનેક સમસ્યા છે. મહિલાઓને બસમાં મુસાફરી મફત મળતી નથી.
AAP નેતા Isudan Gadhviએ વધુમાં જણાવ્યું હતું નવસારીને જનતાને વિનંતી કરૂ છું કે તમારી પાસે એક મજબૂત વિકલ્પ આવી રહ્યો છે, મોકો આવી રહ્યો છે. તમે અત્યાર સુધી ભાજપની સિસ્ટમનો ભોગ પણ બન્યા હશો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને 300 યુનિટ વીજળી ફ્રી આપી તો બીજા રાજ્યમાં પણ ભાજપે ફ્રી વિજળી આપવી પડી. જો નવસારીમાં પણ તમે આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બનાવશો તો વિવિધ સુવિધાઓ તો મળશે જ પરંતુ ભ્રષ્ટાચાર ફ્રી મહાનગરપાલિકા બનશે. તમારા નાણાંનો પાંચ વર્ષમાં સદઉપયોગ કરવામાં આવશે.તમને એવી સુવિધા આપવામાં આવશે કે અત્યાર સુધી ગુજરાતવાસીઓ ક્યારે જોઈ પણ નહીં હોય. પંજાબમાં ત્રણ વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે એટલા સારા કામ કર્યા કે આજે સ્થાનિક ચૂંટણીમાં 87 ટકા સીટો આવી. પંજાબમાં વીજળી, પાણી ફ્રી, સ્કૂલો બનાવવામાં આવી, 43000 કિલોમીટરના સારા રસ્તાઓ બની રહ્યા છે. ડ્રગ્સમુક્ત પંજાબ બનાવવામાં આવ્યું, નશા કરતા યુવાનોને નોકરીઓ આપવામાં આવી છે.એક પણ રૂપિયાની લાંચ કે પેપર લીક વગર 56,000 સરકારી નોકરીઓ આપવામાં આવી. આમ આદમી પાર્ટીની પંજાબની સરકારે આ ત્રણ વર્ષમાં જે ન કરી શકાય તે કરીને બતાવ્યું છે એટલે જ જનતાએ આજે 87 ટકા પરિણામ આપ્યું છે. નવસારીની જનતાને વિનંતી કરું છું કે આ લોકો લોભ, લાલચ,જાતિવાદ, પ્રાંતવાદ બધું જ નાખશે પરંતુ આનાથી પર ઉઠીને કામની રાજનિતીને પસંદ કરજો તેવી વિનંતી છે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંદર દિવસમાં AAP ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે.





