રાજકોટ TRP ગેમઝોનમા અગ્નિકાંડનો મામલો હજી પણ કોઇ ભૂલી શક્યું નથી. જેમા 27થી વધુ લોકો જીવતા હોમાયા હતા. અગ્નિકાંડને લઇને અનેક ઘટસ્ફોટ થતા રહે છે. ત્યારે હવે અગ્નિકાંડ માટે સૌથી મોટો ખુલાસો થયો છે. TRP ગેમઝોનમાં રેઝીનનો 1500 લિટર જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય રેઝીનનો ઉપયોગ વિવિધ રાઈડ્સના મેન્ટેનન્સ માટે કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગી ત્યારબાદ લોકોની પુછપરછમાં ઘટનાસ્થળે પેટ્રોલ ડીઝલનો 3500 લિટર જેવો મોટો જથ્થો સ્ટોરેજ કરાયાની માહિતી સામે આવી હતી જેની તપાસ કરવા કલેક્ટરે પૂરવઠા વિભાગને સૂચના આપી હતી. જોકે, ગેમઝોનમાં પેટ્રોલ કે ડીઝલનો મોટો જથ્થો હોવા મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે 1400 થી 1500લિટર રેઝીનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. રેઝિન એટલે કે એક પ્રકારનો ચીકણા પદાર્થ જે ચીપકાવવા માટે સ્ટેચ્યુ બનાવવા વપરાય છે તે પદાર્થ હતો.
ઉલ્લેખનીય છે કે, તપાસમાં સામે આવ્યું છે કે, ઘટનાસ્થળેથી અડધો કેરબો ભરેલું પેટ્રોલ મળ્યું હતું જે આગથી દૂર હતું. તે કબજે કરાયેલ છે પરંતુ, ગેમઝોનની અંદર પેટ્રોલ ડીઝલ ભરેલું રાખ્યાના કોઈ પૂરાવા પોલીસને મળ્યા નથી.આગ અતિશય ભભુકી ઉઠવા માટે ગેમઝોનમાં વ્યાપક રીતે થર્મોકોલનો ઉપયોગ કરાયો હતો તેવું કારણ અપાયું છે. હવે, ગંભીર સવાલ એ સર્જાયો છે કે જો ઘટનાસ્થળે પેટ્રોલડીઝલનો પૂરવઠો સંગ્રહાયેલો ન્હોતો તો લોકોએ કહ્યું તેમ વિસ્ફોટ શેનો થયો હતો?