Gondal ની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા માળીયાહાટીનાના વિદ્યાર્થીનું હોસ્ટેલ સંચાલકોની બેદરકારીના કારણે મોત થયું હતું. આજે આ મુદ્દે માળીયાહાટીનામાં બેઠક યોજાઈ હતી. જેમાં માળીયાના તમામ સમાજના આગેવાનો તેમજ ગોંડલ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય ન મળે તો સૌરાષ્ટ્રભરમાં આંદોલન કરવા અને ગામે ગામ આવેદનપત્ર આપવા ચિમકી આપી હતી.

માળિયાહાટીના ખાતેની બેઠકમાં નિર્ણય, Gondal હોસ્ટેલ સંચાલકો વિદ્યાર્થીના વાલીને સાંત્વના આપવા પણ ન ફરકતાં રોષ

માળીયાહાટીનામાં રહેતા હવેલીના મુખ્યાજીના પુત્ર શ્યામ લલીતભાઈ પાઠક (ઉં.વ.૧૭) ગોંડલની ધોળકીયા સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. હોસ્ટેલ સંચાલકોની બેદરકારીના કારણે શ્યામનું ઝાડા-ઉલ્ટીથી મોત થયું હતું. આ બનાવથી બ્રહ્મ સમાજમાં ગમગીની સાથે રોષ ફેલાયો હતો. આજે ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનોએ માળીયા ખાતે મૃતક વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લીધી હતી.

આ વિદ્યાર્થીને ન્યાય ન મળે તો ગોંડલ બ્રહ્મ સમાજની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન કરવા તેમજ ગામેગામ આવેદનપત્ર આપવા ચિમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીના મૃત્યું બાદ પણ હોસ્ટેલના સંચાલકો પરિવારને સાંત્વના આપવાને બદલે હજુ સુધી ફરક્યા નથી જેની સામે રોષ ફેલાયો છે.