Dr. Parthivrajsinh Kathwadia: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા Dr. Parthivrajsinh Kathwadia એ આજે સંસદમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓનો હવાલો આપીને ભાજપ સરકાર પર સૌથી મોટો પ્રહાર કર્યો છે. કેન્દ્ર સરકારે આપેલ આંકડા મુજબ2.40 લાખ થી વધુ બાળકો શાળા બહાર છે એટલે કે આઉટ ઓફ સ્કૂલ છે.તેમણે જણાવ્યું કે કરોડો રૂપિયાના ભંડોળ છતાં, રાજ્યનું શિક્ષણતંત્ર પડી ભાંગ્યું છે, જે 2.40

લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે.ભાજપ સરકાર વિકાસના નામે માત્ર આંકડાઓની માયાજાળ રચે છે. જે રાજ્યની સરકાર એક જ વર્ષમાં શાળા બહારના બાળકોની સંખ્યામાં ૩૪૧%નો વધારો થવા દે, તે રાજ્ય ‘વિકાસ’ નહીં, પણ ‘વિનાશ’ના પંથે છે. ગુજરાતનું શિક્ષણ ‘ગુજરાત મોડેલ’ના ભાર નીચે કચડાઈ ગયું છે!

કોંગ્રેસ પક્ષ સત્તાવાર ડેટાની તુલના કરીને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે. વર્ષ ૨૦૨૪ -૨૫ માં શાળા બહાર બાળકોની સંખ્યા ૫૪,૪૫૧ તે વર્ષ ૨૦૨૫ -૨૬ માં વધી ને ૨૪૦૮૦૯ થઈ ગઈ છે જે ટકાવારી મુજબ ૩૪૧%નો વિસ્ફોટક ઉછાળો છે. બેટી પઢાવો ના નારા હેઠળ ૧૦૫૦૨૦ કિશોરીઓ out of school એટલે શાળા બહાર છે તે આંક ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સહુ થી વધું શાળા બહાર કિશોરીઓ ગુજરાતમાં છે. દેશમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ગુજરાત રાજ્યે ૨.૪ લાખ શાળા બહારના બાળકો સાથે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાત પછી આસામ (૧,૫૦,૯૦૬) અને ઉત્તર પ્રદેશ (૯૯,૨૧૮) આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આજે પછાત રાજ્યોની હરોળમાં નહીં, પણ સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારત દેશમાં કુલ શાળા બહાર બાળકોની કુલ સંખ્યામાં થી ૨૮% થી વધુ બાળકો ગુજરાત થી છે. ભારતમાં કુલ શાળા બહાર વિધાર્થીઓની સંખ્યા ૮૪૯૯૯૧ છે.

સમગ્ર શિક્ષા યોજના હેઠળ ફાળવાયેલા જંગી ભંડોળનો ઉલ્લેખ કરીને ગેરવહીવટનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. વર્ષ ૨૦૨૪ -૨૫ ખર્ચ મુજબ ગુજરાત રાજ્યનો સમગ્ર શિક્ષા યોજના હેઠળ કુલ ખર્ચ ૨૧૯૯૮૪.૭૫ લાખ એટલે ૨૧૯૯ કરોડ થી વધુ રકમ થાય છે ત્યારે આટલા મોટા બજેટ છતાં ડ્રોપઆઉટનો ગ્રાફ કેમ આસમાને પહોંચ્યો?રૂ. ૨૧૯૯ કરોડનું બજેટ શિક્ષણને મજબૂત કરવા માટે ખર્ચાયું છતાં બાળકો શાળા છોડી રહ્યા હોય, શિક્ષકોની જગ્યા ખાલી હોય અને વર્ગખંડોની ઘટ હોય, તો આ બજેટ ક્યાં ‘ખર્ચ’ થયું? આ પૈસા ક્યાંક બીજે જઈ રહ્યા છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરવહીવટ સૂચવે છે. આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી. આ ૨.૪ લાખ બાળકોના ભવિષ્યને બરબાદ કરવા બદલ સરકારની ગુનાહિત બેદરકારી છે.

સરકારે સમગ્ર શિક્ષા યોજના હેઠળ ખર્ચાયેલા રૂ. ૨૧૯૯ કરોડ સહિતના તમામ ભંડોળનો એક-એક પૈસાનો વિગતવાર હિસાબ આપતું શ્વેતપત્ર (White Paper) તાત્કાલિક જાહેર કરવું જોઈએ. ૨.૪ લાખ બાળકોને શાળામાં પાછા લાવવા માટે, સખત મોનીટરિંગ સાથેનું ‘મિશન પુનઃપ્રવેશ’ અભિયાન તાત્કાલિક શરૂ કરવું જોઈએ. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ભાજપના શાસનમાં અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ આ 2.40 લાખ ડ્રોપઆઉટના મુદ્દે ભાજપના ‘શિક્ષણ કૌભાંડ’નો હિસાબ લેશે.