Rajkot: બસમાં બેભાનીયુ બિસ્કીટ ખવડાવી મુસાફરોનો સામાન લઇ પલાયન થઈ જતાં ગઠીયો હાથવેંતમાં છે. જેને કારણે આ પ્રકારના પાંચેક ગુનાના ભેદ ખૂલે તેવી સંભાવના છે.
ગઠીયો Rajkot ક્રાઈમ બ્રાંચના હાથવેંતમાં, ગ્રીનલેન્ડ ચોકડીએથી બેઠેલા બે મુસાફરોને શિકાર બનાવ્યા હતા
Rajkot: કોઠારીયા રોડ પરની પંચનાથ સોસાયટી શેરી નં. ૩માં રહેતા અને લોઠડા ગામે પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતાં રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ | (ઉ.વ.૫૦)ના સુરત રહેતા મિત્ર નરેશભાઈ હરસોરાને ત્યાં વાસ્તુનો પ્રસંગ હોવાથી ગઈ તા. ૧૬ ઓગસ્ટના રોજ ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતી સહજાનંદ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં બેઠા હતા. તે વખતે બાજુમાં બેઠેલા મુસાફરે પોતાની પાસે રહેલું એક ક્રીમવાળુ બિસ્કીટ ખાવા આપ્યું હતું.
શરૂઆતમાં ના પાડયા બાદ આગ્રહ કરતાં રણછોડભાઈએ એક બિસ્કીટ ખાઈ લીધું હતું. તે સાથે જ તેને ઘેન ચડવા લાગ્યું હતું. ત્યાર પછી ઉંઘ આવી ગઇ હતી. તેના પછી શું થયું તેની કાંઈ ખબર પડી ન હતી. તા. ૧૯મીએ ભાનમાં આવ્યા ત્યારે વિદ્યાનગર મેઇન રોડ પરની હોસ્પિટલમાં હતા. નાના ભાઈ અરવિંદને પૂછતા કહ્યું કે તમારો ફોન બંધ આવતો હોવાથી તા. ૧૮મીએ મેં કોલ કર્યો હતો. જે કોઈ પોલીસમેને ઉપાડ્યો હતો. જેણે કહ્યુંકે સુરતના કતાર ગામ ખાતે બસના પાર્કિંગના બાકડા પર તમે સૂતા છો. સાથોસાથ તમને લઈ જવાનું પણ કહ્યું હતું. જેથી તેણે મોટાભાઈને કોલ કરી પોતાના ઘરે લઈ જવાનું કહ્યું હતું. ત્યાંથી તેને રાજકોટની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
તપાસ કરતાં બે સોનાની વીંટી, ગળામાં પહેરેલો સોનાનો ચેન, ખિસ્સામાં રહેલા રોકડા રૂા. ૩૫ હજાર મળી કુલ રૂા. ૧.૬૫ લાખની મત્તા ગાયબ હતી. તેસાથે જ પેસેન્જર તરીકે બેઠેલા શખ્સે બેભાનીયુ બિસ્કીટ ખવડાવી આ તમામ મતા લઇ પલાયન થઇ ગયાનું સ્પષ્ટ બનતાં બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનો કરનાર ગઠીયાએ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બેઠેલા બીજા મુસાફરને પણ શિકાર બનાવ્યા હતા. આ ઉપરાંત સુરતના સરથાણા વિસ્તારમાં પણ આ જ રીતે બે મુસાફરોની કિંમતી માલમત્તા લઇ લીધી હતી. ગઠીયો બોટાદ પંથકનો હોવાનું જાણવા મળ્યું છે.