ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયુ છે. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ડુંગર પર ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે ખાપરી નદીમાં ધોડાપૂર આવ્યું છે. ડાંગમાં ધોધમાર વરસાદ થવાને કારણે અહલાદક વાતાવરણ સર્જાયું છે.

મળતી માહિતી અનુસાર હવમાન વિભાગે કાળઝાળ ગરમી બાદ વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા અદભૂત વાતાવરણ સર્જાયુ છે. આભ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફળી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે શુક્રવારે, 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદ વરસવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સિવાય 15મી જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે