Ahmedabad: હવામાન વિભાગની આગાહી બાદ વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ હતો. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. આગાહી મુજબ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

મળતી માહિતી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે આ વચ્ચે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ગોધરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગોધરામાં 1.5 ઇંચ શહેરામાં અડધો ઇંચ અને ઘોઘંબામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા ભાગોમાં આવેલા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીને લઈને સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં છે.

આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં રેડ એલર્ટ છે. નર્મદા, સુરત અને તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.