છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાછલા દિવસોમાં વરસાદ પણ થયો, પણ હવે વધતા બફારા અને ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન રાજ્ય માટે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધીની હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવના છે. પરંતુ હજુ અમદાવાદમાં ગરમીથી રાહત મળવાની સંભાવના નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ નહીં તો ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી વરસાદની અપેક્ષા નથી.

IMD એ શુક્રવારે તેની તાજેતરની માહિતીમાં જણાવ્યું હતું કે અઠવાડિયાના અંતમાં અમદાવાદમાં વરસાદની સંભાવના છે. સાથે જ એવી આગાહી કરી હતી કે રવિવારની રાત્રિ અથવા સોમવાર સુધીમાં શહેરમાં વરસાદની અપેક્ષા છે અને 12 જૂન સુધીમાં વરસાદ સમગ્ર રાજ્યને આવરી લેશે. પરંતુ પછીથી આગાહીને પલટી દેવામાં આવી છે. 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

આ પછી આવેલા હવામાન વિભાગના બુલેટિન અનુસાર, વરસાદ 12 જૂન સુધી ગુજરાતના પૂર્વ અને દક્ષિણ વિસ્તારો પૂરતો મર્યાદિત રહેશે અને 13-14 જૂનના રોજ ઉત્તર-પૂર્વીય જિલ્લાઓમાં વિસ્તરી શકે છે. શુક્રવારે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો.

IMDએ જણાવ્યું હતું કે આ સ્થિતિ દક્ષિણપૂર્વ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 10 જૂન સુધી પ્રવર્તે તેવી શક્યતા છે. 12 જૂન સુધીમાં અરવલ્લી અને દાહોદના ઉત્તર-પૂર્વીય જિલ્લાઓમાં વરસાદનું વિસ્તરણ થવાની શક્યતા છે. અને 12 જુને અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે જ આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.