Gopal Italia AAP: આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય Gopal Italiaએ સુરતમાં ભાજપ દ્વારા યોજાયેલ ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે આજે સુરતના મોટા વરાછા ખાતે એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ થઇ રહ્યો છે. જે લોકો નવા મંત્રીઓ અને ધારાસભ્યો બન્યા છે તેનું સમાજ તરફથી સન્માન કરવાનો કાર્યક્રમ છે. કોઈ વ્યક્તિ સંઘર્ષ કરીને સફળતા મેળવે તેનું સન્માન થાય તેમાં કંઇ ખોટુ નથી. પરંતુ સુરતમાં જે સન્માન થઇ રહ્યું છે તે સમાજ માટે ફાયદાકારક છે કે ફાઈલો ફેરવનાર માટે ફાયદાકારક છે? તે જાણવું ખૂબ જરૂરી છે. સુરતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે અને સરકારમાં બેઠેલા લોકો બેફામ ડ્રગ્સ વેચનાર પાસેથી હપ્તા પણ લેતા હશે, બધી જ વસ્તુઓના પુરાવા તો ક્યાં હોવાના, અને પુરાવા હોય તો પણ ક્યાં ફાંસી થઈ ગઈ છે ? ડ્રગ્સ વેચનાર પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. આ જ સરકારમાં મંત્રી બનેલા લોકોનું સન્માન કરવામાં આવે છે, તો આ સન્માન કેવું હશે ? આ જોવા જેવી બાબત છે. સુરતમાં ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે, એક મજૂરી કરતો અને હીરા ઘસતો માણસ પોતાના બાળકને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી. જે સરકારનો માણસ આપણા બાળકોને શિક્ષણ ન અપાવી શકે અને આ જ સરકારમાં કોઈ માણસ મંત્રી બન્યો હોય, તેનું સન્માન હોય કેવું ? આ ભાજપ સરકારના પાપના કારણે કાઠિયાવાડમાં ખેડૂતોને પાકનું પૂરતું પાણી મળતું ન હતુ, અસામાજિક તત્વોના ત્રાસ વગેરે જેવી સમસ્યાથી ગામડેથી થાકીને, ભયભીત થઈને હજારોની સંખ્યામાં લોકોને સુરત જવા માટે હિજરત કરવી પડી હતી. હવે સુરત આવ્યા તો અહીં ડ્રગ્સનું દૂષણ, પ્રાઇવેટ શાળાઓમાં હજારો લાખો રૂપિયા ફી ભરવી પડે છે, દવાખાનામાં માણસ લુંટાય છે, કોર્પોરેશનની કચેરીઓ મન ફાવે તેવા તોડ કરી રહી છે, કોઈ સાંભળવાવાળું નથી, પોલીસ સ્ટેશનની તો કંઈક અલગ જ કહાની છે. આ બધી જ પરિસ્થિતિ જે સરકારના રાજમાં છે તે સરકારનું સન્માન હોય કેવું ? સરકાર સમાજ થકી બને છે, સમાજ સરકાર થકી નહીં. સરકારને સમાજ પાસેથી સન્માન જોઈએ છે પરંતુ સમાજની વાત સાંભળવી નથી. જે મંત્રીને સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય તેને સમાજની વાત પણ સાંભળવી જોઈએ.

AAP ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે સૌથી મહત્વની વાત એ છે કે આજનો કાર્યક્રમ વરાછામાં થઈ રહ્યો છે અને 30 વર્ષના ભાજપના શાસનમાં આ વરાછા વિસ્તારમાં સમાજનાં દીકરા દીકરીઓ માટે એક પણ કોલેજ નથી, અનેક દીકરા દીકરીઓને સિટી બસમાં ખીચોખીચ ભરાઈને શહેરના અન્ય વિસ્તારમાં કોલેજ માટે જવું પડે છે. આટલા બધા લોકો ત્યાં રહે છે તેના માટે એક કોલેજ હોવી જોઇએ. અહીં કેશુભાઇ પટેલ સરકારી કોલેજની ઘણા સમયથી માંગણી કરી છે પરંતુ કેમ કોલેજ બનતી નથી? સમાજમાં પીઠબળ ધરાવતા નેતાઓનું સન્માન કરવાનું હોય, બાકી ભાજપમાં આયા રામ, ગયા રામ છે, તેનું શું સન્માન? કેવું સન્માન ? જેને પોતાનું કોઈ આત્મ સન્માન નથી તેનું સમાજ શું સન્માન કરવાનો ? સમાજનાં નેતા કેશુભાઈ પટેલ જેવા હોવા જોઈએ. કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા ત્યારે રાજકોટમાં એક સંમેલનમાં હજારો-કરોડો લોકો ભેગા થયા હતા. જ્યારે ભાજપમાં તો દિલ્હીથી ફોન આવે કે તમારો સામાન પેક કરો એટલે નેતાઓ એક શબ્દ પણ બોલી શકતા નથી. અમારો શું વાંક છે, તેવું પણ પૂછી શકતા નથી. ભાજપ પાર્ટી પોતે જેને નબળો માને છે, જેને બિન કાર્યક્ષમ માને છે તેને જ મંત્રી બનાવે છે. હવે આવા મંત્રીઓનું સન્માન કેવું હોય ? આ સમારોહનાં નામે સમાજને હાથો બનાવવાનું કામ કર્યું છે, લોકો જાગૃત થઈને જુએ તેવી મારી વિનંતી છે. આવા ભવ્ય સમારોહની ભવ્યતા પાછળ ગરીબોની હાય છુપાવવાનું કામ કર્યું છે. સુરતનાં સૌ લોકોને મારી વિનંતી છે કે ભવ્ય સમારોહ થઈ ગયો પરંતુ તમારા જીવનની સમસ્યાનું શું ? આટલું જરાક વિચારજો.