Ahmedabad: અમદાવાદમાં આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ સમારોહમાં  ‘હેલ્ધી ગુજરાતી: એફોર્ડબલ ક્વોલિટી હેલ્થકેર’ ચર્ચાસત્રમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા. આ અવસરે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારે જન આરોગ્યને પ્રાથમિકતા આપી છે. જેના પરિણામે PMJAY યોજના વિશ્વનું સૌથી મોટું આરોગ્ય પેકેજ બન્યું છે. ગુજરાતમાં રાજ્ય સરકારના યોગદાનથી આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક બની છે. જે રાજ્ય સરકારની આરોગ્ય ક્ષેત્ર માટેનો સંવેદનશીલ અભિગમ દર્શાવે છે.

રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાનું સર્વે કરી જરૂરીયાતોની પૂર્તિ કરાશે તેમ જણાવી મંત્રી શ્રી એ સરકારી સંસ્થાઓને ગુણવત્તા પ્રમાણપત્ર આપ્યા બાદ સમયાંતરે તેનું રીવ્યુ કરવા સૂચન કર્યું હતું.

સાથોસાથ ગુજરાતમાં (Ahmedabad) આજે આરોગ્યની વૈશ્વિક સ્તરની સુવિધાઓ નિર્મિત થઈ છે. જેના પરિણામે વિદેશી સારવાર કરતા કિફાયતી અને ઝડપી સારવાર આપણે ઉપલબ્ધ કરાવી શક્યા છીએ. અહીં યુ.એન.મહેતા અને GCRI સહિતની આરોગ્ય સંસ્થાઓ દર્દીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્ય સુવિધાઓ આપવા કાર્યક્ષમ બની રહી છે. જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ઋષિકેશ પટેલે આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો બુદ્ધિજીવી હોય છે. ત્યારે ત્યાં સ્વચ્છતા, સુવ્યવસ્થિતતા, સરળતા હોવી જરૂરી છે. હોસ્પિટલ એવું સ્થળ છે કે જ્યાં સંવેદનશીલતાની સૌથી વધુ જરૂરિયાત હોય છે. નર્સથી લઈને તબીબ સુધીના સહુમાં સંવેદના વધે અને સારી ગુણવત્તાવાળી સારવાર મળે તે માટે આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે કાયમી વ્યવસ્થા નિર્મિત કરવી જોઈએ, જેમાં સહયોગ આપવા સરકારની તૈયારી છે. તેવું સૂચન પણ મંત્રીશ્રીએ કર્યું હતું.

આજના સત્રમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, NABH- QCIના CEO ડૉ. અતુલ કોચર સહિતના મહાનુભાવોએ  ‘હેલ્ધી ગુજરાતી: એફોર્ડબલ ક્વોલિટી હેલ્થકેર’ વિષય પર પેનલ ડિસ્કશન કર્યું.